રિપોર્ટ@સુરત: હપતો ન આપવાના મામલે ગેંગના સભ્યોએ એક યુવકને બેરહેમીપૂર્વક માર માર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતના લિંબાયતના ગોવિંદનગર વિસ્તારમાં હપતો ન આપવાના મામલે ગેંગના સભ્યોએ એક યુવકને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. જેના પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ, યુસુફ ગેંગ લિંબાયતના ગોવિંદનગર ખાતે આવેલા એક ખુલ્લા પ્લોટમાં ટેમ્પો ઊભા રાખવા બદલ વેપારીઓ અને વાહનચાલકો પાસેથી રૂપિયા ઊઘરાવે છે. જે લોકો આ હપતો આપવાનો ઇનકાર કરે છે અથવા વિલંબ કરે છે તેમને આ ગેંગના સભ્યો દ્વારા ક્રૂરતાથી માર મારવામાં આવે છે. આવી જ એક ઘટનામાં હપતો ન આપવાના કારણે યુસુફ ગેંગના આરોપીઓએ એક યુવકને નિશાન બનાવ્યો હતો.
CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે આરોપીઓએ યુવકને ખેંચીને જમીન પર સુવડાવી દીધો હતો. ત્યાર બાદ એક આરોપી યુસુફે તો યુવકના માથા પર ઊભા રહીને તેના ચહેરા પર લાતો મારી હતી અને તેના પગ તોડી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં, આરોપીઓએ યુવકને ચપ્પુના ઘા પણ માર્યા હતા., માથે ઊભા રહી ચહેરા પર લાતો
મારી.
ગેંગના ઘાતકી હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ હુમલાના CCTV ફૂટેજ સામે આવતાં પોલીસ વિભાગમાં પણ હલચલ મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ યુસુફ ગેંગના આરોપીઓ પર અગાઉ પણ ગુજસીટોક (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) હેઠળ ગુનો દાખલ થઈ ચૂક્યો છે. કડક કાયદાઓ છતાં પણ આ ગેંગનો આતંક યથાવત્ રહેતાં પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે.
ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઇજાગ્રસ્ત યુવકનું નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે અને CCTV ફૂટેજને મુખ્ય પુરાવા તરીકે લઈને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ ગેંગના સભ્યોને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને કાર્યવાહી શરૂ કરી છે. લોકોની માગ છે કે આ ગેંગના સભ્યો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે, જેથી વિસ્તારના લોકો ભયમુક્ત થઈને પોતાનો વ્યવસાય કરી શકે.