રિપોર્ટ@સુરત: રસ્તા પરથી અંદાજિત 4 લાખની સોનાની લક્કી મળી, જાણો વધુ વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતના યુવકે રોડ પરથી મળેલી 4 લાખની કિંમતની સોનાની લક્કી પરત કરીને પ્રમાણિકતાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પ્રમાણિકતાનું ઉદાહરણ આપનાર સુરતના ડાયમંડ વર્કર યુનિયનના પૂર્વ પ્રમુખ દિવ્યાંગ માંગુકિયા છે. તેમણે પોતાની પ્રમાણિકતા અને ઉમદા કાર્યથી સમાજમાં એક સકારાત્મક સંદેશ આપ્યો છે. તેમની આ ઈમાનદારી બદલ આજે(18 ઓક્ટોબર) ડાયમંડ વર્કર યુનિયનની ટીમે રૂબરૂ મુલાકાત લઈને તેમનું સન્માન કર્યું હતું.
મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલા રાત્રે દિવ્યાંગ માંગુકિયાને સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી શારદા વિધાલયની સામેના રસ્તા પરથી એક સોનાની લક્કી મળી આવી હતી. આ લક્કીની બજાર કિંમત આશરે 4 લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. સામાન્ય સંજોગોમાં આટલી મોટી કિંમતનો દાગીનો પોતાની પાસે રાખી લેવાનું મન થાય, પરંતુ દિવ્યાંગભાઈએ પોતાની ઉમદા સંસ્કારિતાનો પરિચય આપીને લક્કીના મૂળ માલિકને શોધી કાઢવાનું પ્રામાણિક અભિયાન શરૂ કર્યું હતું.
તેમણે તુરંત જ જે દુકાન પાસેથી લક્કી મળી હતી, ત્યાંના સંચાલકને જાણ કરી અને જણાવ્યું કે, મને એક કિંમતી વસ્તુ મળી છે. જો કોઈ વ્યક્તિ શોધતા-શોધતા અહીં આવે તો મને સંપર્ક કરાવજો. હું યોગ્ય માહિતી અને ખાતરી કર્યા બાદ જ તેમને આ વસ્તુ પરત કરીશ. બીજી તરફ, જેની લક્કી ખોવાઈ હતી તે અશ્વિન કિકાણી પણ પોતાની કિંમતી વસ્તુની શોધમાં નીકળ્યા હતા. તેઓ શારદા વિધાલયની સામે આવેલી તે દુકાન પર પહોંચ્યા, જ્યાં તેમણે પૂછપરછ કરી હતી.
દુકાનદારે તાત્કાલિક દિવ્યાંગ માંગુકિયાને ફોન કરીને અશ્વિનભાઈ વિશે જાણ કરી હતી. દિવ્યાંગ તરત જ ત્યાં પહોંચ્યા અને અશ્વિન પાસેથી લક્કી અંગેની સંપૂર્ણ વિગતો અને નિશાનીઓ જાણીને ખાતરી કરી હતી. ખાતરી થયા બાદ, દિવ્યાંગ માંગુકિયાએ એક પળનો પણ વિલંબ કર્યા વગર તેમની આશરે 4 લાખ રૂપિયાની કિંમતની સોનાની લક્કી અશ્વિનભાઈ કિકાણીને સહી-સલામત પરત કરી હતી. પોતાની ખોવાયેલી કિંમતી વસ્તુ પાછી મળતા અશ્વિનભાઈએ દિવ્યાંગભાઈનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે, હું અહીંયા સુરતમાં 15 વર્ષથી રહું છું. અને મારું 9 ઓક્ટોબરે એક હાથની જે લક્કી છે, તે ખોવાયેલી હતી. જે પૂણા ગામ રોડ પર આપણે કૃષ્ણા પાર્ક સોસાયટીમાં આપણે સિલિકા જ્યુક્સિનનો શોરૂમ આવેલો છે, ત્યાં આગળ સાંજે હું મારા ભાગીદાર નીલેશભાઈને મળવા માટે ગયેલો હતો. પૂણા ગામ રોડ ઉપર મારો આ જે દાગીનો છે તે ખોવાયેલો હતો. જે મને ખ્યાલ નહોતો કે મારો આ દાગીનો ક્યારે ખોવાણો, પણ વળતા દિવસે સવારે જ્યારે હું નાવા બેઠો ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારી લક્કી ખોવાયેલી છે. જે શોધખોળ કરતા પછી ખ્યાલ આવ્યો કે ભાઈ પૂણા ગામથી નારાયણનગર રોડ ઉપર ગમે ત્યાં પડેલું છે.
હવે રોડ ઉપર જે વસ્તુ પડેલી છે, તે કઈ રીતે મળે અથવા કોઈ સારા વ્યક્તિને મળી હોય તો એ કઈ રીતે મને આપી શકે? તે જ હું વિચારતો હતો કે આ કેવી રીતે મળશે. પરંતુ આપણા સદનસીબે કોઈ યોગ્ય વ્યક્તિને કે જે એટલા પ્રામાણિક છે કે જે અત્યારે સમજો કે સોનાના ભાવ આસમાને પહોંચેલા છે, તેવા સમયે મને મારો દાગીનો છે તે પરત આપેલો છે. દિવ્યાંગભાઈ માંગુકિયાએને મળેલી છે અને તેમણે મને પરત આપેલી છે. જે અત્યારે આપણે દિવાળીના સમયે આટલું બધું મતલબમાં તૈયારી હોય છે અને સોનાના ભાવ પણ આટલા બધા વધેલા છે, તેવા સમયે તેમના હાથમાં આવતા તેમણે પણ એટલી જ ચિંતા વ્યક્ત કરી કે ભાઈ જે કોઈનું ખોવાયેલું હશે, તેમને કેવું ફીલ થતું હશે. જેવો સારા સદ્વિચારના હિસાબે તેઓએ મને મારી વસ્તુ સુપ્રત કરેલી છે.