રિપોર્ટ@ગોંડલ: એક જ પરિવારના 3 માસૂમના મોત બાળકોના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગોંડલ તાલુકાના શેમળા ગામમાં એક હદય કંપાવતી ઘટના સામે આવી છે. ગામના ઓરિયા તળાવમાં મામા-ફોઈના બાળકો રમતા-રમતા ડૂબી ગયા હતા. એક જ પરિવારના 3 માસૂમ બાળકોના મોત નીપજ્યા છે, જ્યારે 1 બાળકની સ્થિતિ ગંભીર છે. આ દુર્ઘટનાને પગલે શ્રમજીવી પરિવાર સહિત સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટનાની જાણ થતાં ગોંડલ હોસ્પિટલ રાજકીય અને સામાજીક અગ્રણીઓ દોડી ગયા હતા. ગંભીર હાલતમાં એક બાળકને રાજકોટ ખસેડવામાં આવ્યું છે.
શેમળા ગામમાં ખેડૂત નિરુભા હકુભા જાડેજાની વાડીમાં એક શ્રમજીવી પરિવાર મજૂરીકામ કરતો હતો. આ દરમિયાન વાડીથી આશરે 500 ફૂટ દૂર આવેલા ઓરિયા તળાવ પાસે બાળકો રમી રહ્યા હતા. રમતા-રમતા અચાનક ચારેય બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ વાડી માલિક તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. પરિવારજનો અને સ્થાનિકોએ ભારે જહેમત બાદ બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. સમયસૂચકતા વાપરીને ચારેય બાળકોને ખાનગી કાર મારફતે ગોંડલની ક્રિષ્ના હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબોએ 3 બાળકોને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ મૃતદેહો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને ગોંડલ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.
આ તમામ બાળકો એક જ પરિવારના સંતાનો હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં કરશનભાઈના 2 અને તેમના સાળાનું 1 બાળક સામેલ છે.
મૃતક બાળકોના નામ
અર્જુન ભુરાભાઈ બબેરીયા (ઉંમર: 6 વર્ષ)
લખત કરશનભાઇ ડામોર (ઉંમર: 6 વર્ષ)
લક્ષ્મી કરશનભાઇ ડામોર (ઉંમર: 3 વર્ષ)

