રિપોર્ટ@ગોંડલ: કપડાં મશીનમાં ફસાતાં 55 વર્ષીય મહિલાનું મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટ શહેરમાંથી હદય દ્રાવક ઘટના સામે આવી છે.રાજકોટ જિલ્લાના ગોંડલ-ગુંદાળા રોડ પર આવેલી 'અવની ઓઈલ મિલ'માં આજે વહેલી સવારે એક અત્યંત દર્દનાક અકસ્માત સર્જાયો હતો. મિલમાં ફરજ બજાવી રહેલા 55 વર્ષીય મહિલા શ્રમિક શારદાબેન લક્ષ્મણભાઈ ખાંટનું ચાલુ મશીનમાં કપડું આવી જતાં અને અંદર ખેંચાઈ જતાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. રોજીરોટીની તલાશમાં વતન છોડીને આવેલા શ્રમિક પરિવારના મોભીનું કામે લાગ્યાના બીજા જ દિવસે મૃત્યુ થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ સમગ્ર ભયાનક અકસ્માત મિલમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયો છે, જેના આધારે પોલીસે કાયદેસરની તપાસ શરૂ કરી છે.
મૂળ પંચમહાલ જિલ્લાના ગોલણપુર ગામના વતની શારદાબેન ખાંટ તાજેતરમાં જ પોતાના પરિવાર સાથે રોજગારી મેળવવા ગોંડલ આવ્યા હતા. મૃતક શારદાબેન, તેમનો દીકરો અને ભત્રીજો—આ ત્રણેય સભ્યોને ગઈકાલે સાંજે જ અવની ઓઈલ મિલમાં મજૂરી કામ માટે રાખવામાં આવ્યા હતા. તેઓ મિલ પરિસરમાં આવેલી ઓરડીમાં જ રોકાયા હતા. હજુ તો મિલમાં તેમની નોકરીનો બીજો જ દિવસ હતો, ત્યાં વહેલી સવારે આ કાળમુખી ઘટના ઘટી હતી.

