રિપોર્ટ@ગોંડલ: પ્રેમલગ્ન કરનાર યુવક-યુવતીને લાકડી વડે જાહેરમાં ઢોર માર માર્યો

લવમેરેજ કરવાને લઈ બંનેને જાહેરમાં ધોયા
 
રિપોર્ટ@ગોંડલ: પ્રેમલગ્ન કરનાર યુવક-યુવતીને લાકડી વડે જાહેરમાં ઢોર માર માર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મારા-મારીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મારા-મારીના બનાવો સામે આવતા હોય છે. ગોંડલ તાલુકાના મોવિયા ગામે જાહેરમાં પટેલ દંપતીને માર મારવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, પ્રેમલગ્ન કરનાર યુવક-યુવતીને લાકડી અને દોરડા વડે જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો, ત્યાર બાદ યુવકને માલવાહક ગાડીમાં બેસાડી અપહરણ પણ કરવામાં આવ્યું અને યુવતીને તેના પરિવારવાળા બળજબરીપૂર્વક એક્ટિવામાં બેસાડી ફરાર થઈ ગયા હતા. બંને યુગલને માર મારતાનો સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.


ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દિન-પ્રતિદિન મારામારી અને અપહરણના બનાવો વધવા લાગ્યા છે. ત્યારે વધુ એક આવી ઘટના મોવિયા ગામે સર્જાઈ હતી. જ્યાં પટેલ સમાજના યુવકે અન્ય જ્ઞાતિની યુવતી સાથે બે મહિના પહેલાં પ્રેમલગ્ન કર્યાં હતાં. જેના કારણે બંને પર હુમલો થયો હતો. આ હુમલો અને અપહરણ કરનાર યુવતીના કાકા અરવિંદભાઈ ભૂપતભાઈ ગોહેલ, ભાઈ હસમુખભાઈ ગોહેલ અને અન્ય સાગર નામનો વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં અન્ય સમાજની યુવતી જોડે પ્રેમલગ્ન કરતા તેને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો અને તે બાદ યુવક અને યુવતીનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું.


હુમલાનો ભોગ બનેલા રાજેશકુમાર ઉર્ફે લાલો ચકુભાઈ ગાંજીપરાને માર મારવાના કારણે ઈજા થતા ગોંડલની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેણે સમગ્ર ઘટના અંગે જણાવતા કહ્યું હતું કે, અમે પ્રેમલગ્ન કર્યાં હતાં જેને કારણે યુવતીના કાકાએ અન્ય બે લોકો સાથે મળી અમને ઢોર માર માર્યો હતો. બાદમાં અપહરણ કર્યા બાદ મને અજાણી જગ્યા પર લઈ જઇ ત્યાં પણ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યાર બાદ મને મૂકી ત્યાંથી તે લોકો ફરાર થઈ ગયા હતા અને મારી પત્નીને પણ લઈ ગયા હતા. હાલ મારી પત્ની ક્યાં છે એ મને ખ્યાલ નથી. ગોંડલ તાલુકા પોલીસ સમગ્ર બનાવને લઈને મોડી રાત્રે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.


મોવિયા ગામમાં જાહેરમાં મારામારી થઈ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં દેખાઈ રહ્યું છે કે, ઇજાગ્રસ્ત યુવકને માર માર્યા બાદ માલવાહક ગાડીમાં બેસાડી દેવામાં આવે છે છતાં પોલીસે અપહરણની ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો ન હતો. તાલુકા પોલીસે અરવિંદ પોપટ ગોહેલ, સાગર મોહન, હંસરાજ ભીખા ગોહેલ, ટીનાબેન હંસરાજ ગોહેલ વિરુદ્ધ IPC 324, 323, 341, 504, 506(2), 114, જી.પી.એક્ટ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.