રિપોર્ટ@ગુજરાત: કમોસમી વરસાદના કારણે મગફળી-કપાસની માઠી બેઠી, તેલની તેજી દઝાડી શકે

માવઠાના કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થયું છે
 
રિપોર્ટ@ગુજરાત: કમોસમી વરસાદના કારણે મગફળી-કપાસની માઠી બેઠી, તેલની તેજી દઝાડી શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

તહેવારો પૂરા થતાં જ શરૂ થયેલા માવઠાએ ખેડૂતોની હાલત તો દયનિય કરી જ છે. હવે આવનારા દિવસોમાં ખેડૂત સિવાયના વર્ગના ખિસ્સા પર પણ માવઠાનો બોજ પડવાની શક્યતા છે.

સામાન્ય રીતે ઓક્ટોબર મહિનાના અંતમાં અને નવેમ્બરની શરૂઆતમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મગફળી, કપાસ અને ડાંગરના લહેરાતા પાકની કાપણીનો સમય હોય છે. પરંતુ માવઠાના કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થયું છે એટલે સંભાવના એવી સેવાઈ રહી છે કે આવનારા સમયમાં તેલના ભાવમાં આશ્ચર્યજનક તેજી આવી શકે છે.

અત્યારની પરિસ્થિતિ જાણવા માટે અમે રાજકોટમાં સિંગતેલના વેપારી ભાવેશ પોપટનો મત જાણ્યો. તેમના જણાવ્યા મુજબ હાલમાં બ્રાન્ડેડ ખાદ્ય સિંગતેલના ભાવ 2380થી 2430 રૂપિયા સુધી છે. દિવાળીના દિવસે આ ભાવ 2475 સુધી પહોંચ્યા હતા. જો કે નવા વર્ષની બોણીમાં દરેક બ્રાન્ડે વ્યાજબી ભાવે આપતા ફરી ભાવ ઘટીને 2350થી 2400 રૂપિયામાં મળી રહ્યું હતું. પરંતુ હવે વરસાદની સ્થિતિના કારણે તથા આ ઉપરાંત અગાઉ ભાવ નીચે હતા એટલે ભાવનું લેવલ લાવવા માટે હવે ફરીથી 2430 રૂપિયા સુધી ભાવ પહોંચ્યો છે. વર્તમાન માવઠાની પરિસ્થિતિ જોતા આગામી સમયમાં ભાવમાં તેજી આવવાની સંભાવના છે, મગફળી આવતા હજુ 15 દિવસ લાગશે. 12 માસ માટે તેલ ભરનારા ગ્રાહકોની ખરીદી 15 નવેમ્બર પછી જ શરૂ થશે.

ભાવેશ પોપટે નજીકના ભવિષ્યમાં ભાવની સ્થિતિ બાબતે ઇશારો કરતા કહ્યું, આગામી સમયમાં મગફળીની કેવી આવક થાય છે? તેની માગ કેટલી રહે છે? એના પર આધાર છે. મારું માનવું છે કે અત્યારે 2400 રૂપિયા આસપાસ સિંગતેલનો ભાવ છે, જે છેલ્લા 5 વર્ષનો નીચામાં નીચો ભાવ છે.

ગુજરાતમાં 12 એવા જિલ્લા છે જે મગફળીના ઉત્પાદનમાં અગ્રેસર છે, એમાં પણ મોટાભાગના જિલ્લાઓ સૌરાષ્ટ્રના છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવેલા આંકડા દર્શાવે છે કે ખેડૂતો છેલ્લા 5 વર્ષમાં મગફળીના પાક તરફ વળ્યા છે. જેના કારણે છેલ્લા 5 વર્ષમાં બજારમાં મગફળીની મબલખ આવક થતી હતી. જો આ વખતે મગફળીની આવક ઘટશે તો બજારની સ્થિતિ ડામાડોળ થઈ શકે છે.