રિપોર્ટ@ગુજરાત: 3 નદીઓનાં પાણીએ નવસારીને ત્રીજીવાર ધમરોળ્યું, જાણો વધુ વિગતે

 સ્થાનિકોએ કહ્યું- 'માત્ર ત્રણ કલાકમાં જ પૂરનાં પાણી પ્રવેશી જાય છે'

 
રિપોર્ટ@ગુજરાત: 3 નદીઓનાં પાણીએ નવસારીને ત્રીજીવાર ધમરોળ્યું, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

થોડા દિવસ વિરામ લીધા બાદ ફરી મેઘરાજાની સાવરી આવી ગઈ છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. નવસારી જિલ્લામાં3 વખત પૂરની સ્થિતિ ઊભી થઈ છે. નીચાણવાળા વિસ્તારના મધ્યમ વર્ગીય લોકો માંડ માંડ બે છેડા ભેગા કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેવામાં પુર તેમના માટે મહામુસીબત બનીને આવે છે, દર વર્ષે એક વખત પૂરનો સામનો કરવો પડે છે. પરંતુ આ વખતે ત્રણ વખત પૂર નવસારીવાસીઓએ જોયા છે. અસરગ્રસ્તો માટે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. બેસતખાડા, હિદાયત નગર, અલીફ નગર, ગધેવન, શાંતાદેવી, દશેરા ટેકરી અને કાશિવાડી સહિતના 15થી વધુ જેટલા વિસ્તારોમાં પૂરની સ્થિતિને કારણે લોકોને ફરજિયાત સ્થળાંતર થવું પડે છે.


જૂલાઈ અને ઓગસ્ટ માસમાં બે વખત ભારે પૂર આવ્યા હતા, ત્યારે સપ્ટેમ્બર માસની શરૂઆત થતાં જ નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારના લોકોએ પુરરૂપી આફતનો સામનો કરવો પડ્યો છે. નવસારી જિલ્લા વહીવટી તંત્રએ સરકારી વાહન ફેરવીને લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ તો કરી છે. પરંતુ ઘરમાં રહેલા સામાન્ય સુરક્ષિત મૂકવું એ ખૂબ જ મહેનત માંગતું કામ છે. ગઈ વખતના બંને પૂરમાં સર્વે થયો પરંતુ સરકારી સહાય મળી નથી ત્યાં પરિવાર ત્રીજુ પૂર આવતા લોકોએ આકાશ તરફ મીટ માંડીને વરૂણદેવને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે.


બે વખત આ રેલમાં ખેડૂતોના શેરડી શાકભાજી અને ડાંગરના પાકને ભારે નુકસાન થયું હતું. જેમાં બાગાયત અને ખેતીવાડી વિભાગે સંયુક્ત કામગીરીના ભાગરૂપે સર્વેની કામગીરી પણ કરી હતી જેમાં સહાય મળવાની બાકી છે. ખેડૂતોએ હાલમાં જ ફેરરોપણી કરીને આર્થિક નુકસાની સરભર કરવાનો પ્રયત્ન કર્યો કે ત્યાં ફરિવાર ત્રીજી વખત રેલ આવતા ખેડૂતોની કમર ભાંગી જશે તેવી સ્થિતિ ઊભી થઈ છે.


વાતચીતમાં ગધેવન વિસ્તારમાં રહેતા અસ્લમભાઈ જણાવે છે કે, હવે તો કંટાળી ગયા છીએ. દર વખતે ઘરવખરી ખસેડવી એ ખૂબ મહેનત માંગતું કામ છે, કિંમતી સર-સામાન્ય એક જગ્યાએથી બીજી જગ્યા ખસેડવા માટે સમય જોઈએ છે અને પૂરના પાણી એકાએક આવી જતા અમને સર-સામાન ખસેડવે ભારે પડે છે. બાળકો સહિત વૃદ્ધોને પણ સુરક્ષિત સ્થળે ખસેડવું એ મુશ્કેલ કામ છે. આ વખતે પણ પૂરની પરિસ્થિતિ ઉભી થશે તેવો ભય જણાઈ રહ્યો છે સામાન્ય વહેલી તકે સુરક્ષિત સ્થળે ખસેડી લીધો છે.


સ્થાનિક દુકાનદાર હબીબભાઈ જણાવે છે કે, હજુ સુધી બીજા વખતના પૂરનું નુકસાની સરભર થઈ નથી ત્યાં ફરી વખત પુર આવતા અમારે અમારી દુકાનનો સમગ્ર સામાન બહાર કાઢી સલામત સ્થળે ખસેડવો પડ્યો છે. આ વખતનો પૂર ભારે નુકસાની લાવશે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. કારણ કે, માત્ર ત્રણ કલાકના અંતરાલમાં પૂરના પાણી અમારા વિસ્તારમાં પ્રવેશ્યા છે.


જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે જણાવે છે કે, નવસારી જિલ્લામાં ઉપરવાસના કારણે પૂરની સ્થિતિ ઊભી થઈ છે. જેના કારણે નવસારી શહેરમાંથી 100 જેટલા લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, સાથે જ જિલ્લા પંચાયત મળીને કુલ 55 જેટલા રોડ રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. નવસારી જિલ્લામાં વરસાદ ઓછો છે. પરંતુ ડાંગ જિલ્લામાં વરસાદને કારણે જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે,નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.