રિપોર્ટ@ગુજરાત: રાજ્યના પોલીસમાં 414 કર્મચારીની બદલી, પતિ-પત્નીની રજૂઆતોને પણ ધ્યાને લેવાઈ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત પોલીસ વિભાગમાં લાંબા સમયથી બદલીની રાહ જોઈ રહેલા પોલીસ કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની મંજૂરી બાદ રાજ્યના વિવિધ પોલીસ એકમોમાં ફરજ બજાવતા કુલ 414 પોલીસ કર્મચારીની આંતરજિલ્લા બદલી કરવામાં આવી છે. આ બદલીમાં UPC (અનાર્મડ/હથિયાર વગરના પોલીસ કોન્સ્ટેબલ), ULR (અનાર્મડ/હથિયાર વગરના લોકરક્ષક), APC (આર્મડ/હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ), ALR (આર્મડ/હથિયારધારી લોકરક્ષક), UHC (અનાર્મડ/હથિયાર વગરના હેડ કોન્સ્ટેબલ) અને AHC (આર્મડ/હથિયારધારી હેડ કોન્સ્ટેબલ)નો સમાવેશ થાય છે.
પોલીસ વિભાગ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, UPC અને ULR કક્ષાના 226 કર્મચારીઓ, APC અને ALR કક્ષાના 129 કર્મચારીઓ તેમજ UHC અને AHC કક્ષાના 59 કર્મચારીની બદલી કરવામાં આવી છે. કર્મચારીઓની વ્યક્તિગત અને કૌટુંબિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિવિધ જિલ્લાઓ તથા શહેરોમાં નવી જગ્યાએ ફરજ સોંપવામાં આવી છે.
226 બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષકની બદલીનું લિસ્ટ
129 હથિયારધારી કોન્સ્ટેબલ-લોકરક્ષકની બદલીનું લિસ્ટ
59 હથિયારધારી અને બિન હથિયારી હેડ કોન્ટેબલની બદલીનું લિસ્ટ
બદલી માટે પોલીસ કર્મચારીઓ તરફથી કરવામાં આવેલી રજૂઆતો, ખાસ કરીને પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય તેવા કિસ્સાઓ, તેમજ અન્ય કૌટુંબિક કારણોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. ઘણા કર્મચારીઓને હાલની ફરજની જગ્યાથી અન્ય શહેર અથવા જિલ્લામાં મોકલવામાં આવ્યા છે.
અમદાવાદ, સુરત, વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં બદલી
જાહેર થયેલી યાદીમાં અમદાવાદ શહેર, સુરત શહેર, વડોદરા શહેર, રાજકોટ શહેર, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, ભરૂચ, નવસારી, વલસાડ, જૂનાગઢ સહિતના વિવિધ પોલીસ એકમોમાં ફરજ બજાવતા કર્મચારીઓની બદલીનો સમાવેશ થાય છે.
કેટલાક કર્મચારીઓને શહેરમાંથી અન્ય જિલ્લામાં, જ્યારે કેટલાકને ગ્રામ્ય પોલીસ એકમમાંથી શહેરમાં નવી ફરજ સોંપવામાં આવી છે.
બદલી બાદ તાત્કાલિક હાજર થવાની સૂચના
પોલીસ વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે બદલી પામેલા કર્મચારીઓએ નવી જગ્યાએ નિયત સમયમર્યાદામાં હાજર થવાનું રહેશે. બદલી બાદ નવી જગ્યાએ ફરજ સંભાળ્યા પછી જ તેઓને જૂની જગ્યાએ પરત બદલી માટે તાત્કાલિક રજૂઆત કરવાની મંજૂરી નહીં મળે.
વિભાગીય તપાસ કે ગંભીર ગુનાની તપાસ જેવી બાબતો ચાલુ હોય તેવા કર્મચારીઓ અંગે પણ બદલીના આદેશમાં જરૂરી શરતો રાખવામાં આવી છે. સંબંધિત કર્મચારીઓએ નિયમાનુસાર આગળની કાર્યવાહી કરવાની રહેશે.
આ નિર્ણયથી લાંબા સમયથી બદલીની રાહ જોઈ રહેલા પોલીસ કર્મચારીઓને રાહત મળવાની સાથે કૌટુંબિક પરિસ્થિતિને કારણે કરવામાં આવેલી રજૂઆતોનો પણ નિકાલ થયો છે.

