રિપોર્ટ@ગુજરાત: ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલાયા
ડેમની સપાટીમાં સતત વધારો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉપરવાસમાંથી પડી રહેલા સતત વરસાદને પગલે ડેમની સપાટીમા સતત વધારો થતો જઈ રહ્યો છે, જેના પગલે ગુજરાતની જીવાદોરી એવા સરદાર સરોવર ડેમના 9 દરવાજા 0.80 મીટર સુધી ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
હાલ ઉપરવાસમાંથી 1 લાખ 17 હજાર 291 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. ડેમ ઓવરફ્લોથી માત્ર 3.65 મીટર જ દૂર છે. વધુમાં નદી તળ વિદ્યુત મથક (R.B.P.H)નાં 6 મશીન અને સરદાર સરોવર બંધના દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ 95 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે.
સરદાર સરોવર બંધનાં નીચાણવાળા વિસ્તારમાં કોઈ દુર્ઘટના કે જાનહાનિ ના થાય એ માટે જરૂરી સુરક્ષાનાં પગલાં લેવા અને નાગરિકોને સચેત રહેવા જણાવ્યું છે. અસરગ્રસ્ત કરતાં નીચાણવાળા અને કાંઠાનાં ગામો એલર્ટ કરાયાં છે. જેમાં નાંદોદ તાલુકાના સિસોદરા, ભદામ, માંગરોલ, ગુવાર, રામપુરા, રાજપીપળા, ઓરી, નવાપુરા, ધમણાચા, ધાનપોર, ભચરવાડા, હજરપુરા, શહેરાવ, વરાછા, પોઈચા, રૂંઢ ગામો અને ગરુડેશ્વર તાલુકાના સાંજરોલી, અંકતેશ્વર, સુરજવડ, ગોરા, ગરુડેશ્વર, ગંભીરપુરા, વાંસલા તેમજ તિલકવાડા તાલુકાના વાસણ, તિલકવાડા, વડિયા, વીરપુર, રેંગણ ગામોના નાગરિકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે.