રિપોર્ટ@ગુજરાત: ઉમેદવારી ફોર્મ ચકાસણીના છેલ્લા દિવસે રાજ્યમાં 9,819 ફોર્મ રદ થયા, કોંગ્રેસે 'મિશન અજ્ઞાત' શરૂ કર્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ચૂંટણી અધિકારી દ્વારા હાથ ધરવામાં આવેલી ઉમેદવારી પત્રકોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કુલ 1553 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 427 ફોર્મ રદ્દ થયા છે અને 3 ફોર્મ પરત ખેંચાતા હવે 1123 ઉમેદવારો મેદાનમાં છે. નોંધનીય છે કે, સૌથી વધુ 24 ફોર્મ વસ્ત્રાલ વોર્ડમાંથી રદ્દ થયા છે.
ઉમેદવારી ફોર્મ ચકાસણીના છેલ્લા દિવસે રાજ્યમાં 9,819 ફોર્મ રદ થયા હતા. જેમાં મનપામાં 1,934, નગરપાલિકામાં 1,164, જિલ્લા અને તાલુકા પંચાયતમાં 6,721 રદ કરાયા છે. ઉમેદવારીના આંકડાઓનું વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે સૌથી વધુ રસાકસી તાલુકા પંચાયત સ્તરે જોવા મળી છે. અહીં કુલ 20,000થી વધુ ઉમેદવારી પત્રો ભરાયા હતા, જેમાંથી દસ્તાવેજી કે ટેક્નિકલ ખામીઓને કારણે 6,721 ફોર્મ રદ કરવામાં આવ્યા છે.
ચૂંટણી જંગમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત 15 એપ્રિલ છે ત્યારે ઉમેદવારો વચ્ચે તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. હરીફ ઉમેદવારોને બેસાડી દેવા માટે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે. ખાસ કરીને સુરત અને રાજકોટમાં ભૂતકાળના 'નિલેશ કુંભાણી' જેવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કોંગ્રેસ સતર્ક બની છે. પક્ષે પોતાના અંદાજે 65 જેટલા મજબૂત ઉમેદવારોની વફાદારી જાળવી રાખવા 'મિશન અજ્ઞાત' હેઠળ તેમને સુરક્ષિત અને ગુપ્ત સ્થળોએ ખસેડી દીધા છે. 15 એપ્રિલ બાદ જ સ્પષ્ટ થશે કે ફાઈનલ મેદાનમાં કેટલા ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે.

