રિપોર્ટ@ગુજરાત: અંબાલાલની આગાહી: મતદાનના દિવસે ગરમીનો પારો 41 થી 42 ડિગ્રી રહેવાની શક્યતા

અંબાલાલ પટેલે ગરમીને લઈ કરેલી આગાહીએ રાજકીય પક્ષોની ચિંતા વધારી છે. 
 
રિપોર્ટ@ગુજરાત: અંબાલાલની આગાહી: મતદાનના દિવસે ગરમીનો પારો 41 થી 42 ડિગ્રી રહેવાની શક્યતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

26મી એપ્રિલે રાજ્યમાં પાલિકા-પંચાયતની ચૂંટણીમાં મતદાન યોજાવાનું છે. ત્યારે અંબાલાલ પટેલે ગરમીને લઈ કરેલી આગાહીએ રાજકીય પક્ષોની ચિંતા વધારી છે. 26મીએ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ગરમીનો પારો 41 થી 42 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. ત્યારે રાજકીય પક્ષોએ સવારે 10 પહેલા અને બપોરે સાડા ચાર વાગ્યા પછી વધુમાં વધુ મતદાન થાય તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ મુજબ 21થી 23 એપ્રિલ દરમિયાન પ્રી-મોન્સૂન એક્ટિવિટીથી થોડી રાહત મળી શકે છે, પરંતુ મતદાનના દિવસે ગરમી યથાવત રહેવાની શક્યતા છે. રાજ્યના વિવિધ ઝોનમાં મધ્ય ગુજરાતમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે, જ્યારે ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ 42 ડિગ્રી આસપાસ ગરમી રહેશે. સૌરાષ્ટ્રમાં 38થી 42 ડિગ્રી, કચ્છમાં 40 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતમાં 38થી 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષોએ મતદારોને મતદાન મથક સુધી લાવવા માટે અલગ-અલગ રણનીતિ અપનાવી છે. ભાજપ દ્વારા મતદારોને વહેલી સવારે અથવા સાંજે મતદાન કરવા અપીલ કરવામાં આવી છે, તેમજ મતદાન મથકો પર છત્રી, ઠંડુ પાણી અને ORS જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સૂચનાઓ આપવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ મતદારોમાં ઉત્સાહ અને આક્રોશને મતપેટી સુધી પહોંચાડવા માટે પરિવહન, પાણી અને છાશ જેવી સુવિધાઓ સાથે સિનિયર સિટિઝન માટે ખાસ વ્યવસ્થા કરી રહ્યો છે.

આમ આદમી પાર્ટી પણ ગરમી વચ્ચે મતદાનને લોકશાહીનો ઉત્સવ ગણાવીને લોકોને પ્રોત્સાહિત કરી રહી છે. ખાસ કરીને વડીલો અને બીમાર મતદારો માટે સવારે અથવા સાંજે મતદાન કરવા અપીલ સાથે પાણી જેવી સુવિધાઓ પૂરી પાડવાની તૈયારી દર્શાવવામાં આવી છે. પાર્ટીનું માનવું છે કે ગરમી થોડા સમય માટે હોય છે, પરંતુ મતનો પ્રભાવ પાંચ વર્ષ સુધી રહેવાનો છે.

આ રીતે 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગરમી એક મોટો મુદ્દો બની છે અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે સેમિ-ફાઇનલ મનાતી આ ચૂંટણીમાં દરેક પક્ષ વધુમાં વધુ મતદાન થાય તે માટે પૂરજોશમાં પ્રયત્ન કરી રહ્યો છે. અંતે, નાગરિકોને અપીલ છે કે ગરમીની પરવા કર્યા વગર લોકશાહીના આ પર્વમાં ભાગ લઈ 100 ટકા મતદાન કરો.