રિપોર્ટ@ગુજરાત: દુકાન બહાર સૂતેલા એક વૃદ્ધ ઉપર કાર ફળી વળતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતની ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ઉના શહેરમાં ખાઉગલી પાસે આવેલા નાઘેર પાઉંભાજીની દુકાનમાં વહેલી સવારે કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં ધડાકાભેર કાર દુકાનમાં ધૂસી ગઈ હતી. દુકાન બહાર સૂતેલા એક વૃદ્ધ ઉપર કાર ફળી વળતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ ઘટના અંગે પોલીસે આગળની વધુ તપાસ માટે તજવીજ હાથ ધરી છે. અમદાવાદ રહેતો પરિવાર રાત્રિના કાર નં. GJ-06-PR-2526માં નીકળ્યો હતો અને ઉનાથી દીવ તરફ જઇ રહ્યા હતા. ત્યારે શિવાજી પાર્કની સામેના ભાગે ખાઉગલી પાસે મુખ્ય રસ્તા પર કોઈ વાહનને બચાવવા જતાં કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં કાર સીધી નાઘેર પાઉંભાજીની દુકાનમાં ઘૂસી ગઈ હતી. જોકે આ દુકાનના બહારના ઓટલે એક અસ્થિર મગજના દિનેશભાઈ ગાંધી નામના વૃદ્ધ સૂતા હતા. તેમની ઉપર કાર ફળી વળતાં લોહીલુહાણ હાલતમાં તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
જ્યારે આ અકસ્માતની ઘટનામાં દુકાનનું શટર, કાચ, ટેબલો તેમજ દુકાનની દીવાલનાં પિલરોમાં પણ ભારે નુકસાન થયું હતું તેમજ દુકાનની બહાર પાર્ક એક બાઇક નં. GJ-32-AB-7276ને પણ હવામાં ફંગોળતાં કચ્ચરધાણ વળી ગયો હતો. આ કારમાં એક જ પરિવારનાં બાળકો સહિત ચાર જેટલી વ્યક્તિઓ સવાર હતી. કાર એટલી બધી સ્પીડમાં હતી કે અકસ્માત સર્જાતાં કારની અંદર એરબેગ પણ ખૂલી ગઇ હતી. કારમાં બેઠેલી ચાર વ્યક્તિઓમાંથી એક બાળક મિહિર કપિલભાઈ રહે. અમદાવાદને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે અન્ય વ્યક્તિઓને નાની-મોટી ઇજા પહોંચતાં તમામને ઇમર્જન્સી 108 એમ્બ્યુલન્સમાં ઉના ખાનગી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.