રિપોર્ટ@ગુજરાત: વિચિત્ર શરતનાં કારણે અસરગ્રસ્ત લોકોમાં રોષ અને નારાજગી

 

રાજ્ય સરકાર સહાય કરશે પણ ઘરમાં 2 દિવસ સુધી પાણી ભરાયેલું હશે તો જ

 
તારાજી@જામનગર: ભારે વરસાદથી અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ, મકાનો પાણીમાં ગરકાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ભારે વરસાદના કારણે લોકોને ગણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યના ઘણા જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદ તથા પૂરના કારણે હજારો ઘરોમાં પાણી ઘૂસી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે પરંતુ તેમાં સરકારી પરિપત્રને કારણે હજારો પરિવારોને ઘરવખરીની સહાય મળી નથી. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે તા. 10-10-2023ના રોજ કુદરતી આપત્તિમાં સહાય ચૂકવવા અંગે પરિપત્ર બહાર પાડ્યો હતો, જે ભારત સરકારની ગાઇડલાઇન મુજબ હોવાનું પણ જણાવાયું છે. આ પરિપત્રમાં અગાઉ 2015ના વર્ષના પરિપત્રમાં ખેતીની સહાય, કેશડોલ વગેરેની ચુક‌વણીમાં સુધારા કર્યા છે.

આ પરિપત્રમાં ઘરવખરીની સહાય ચૂકવવા અંગે કપડાંની નુકસાની માટે પ્રતિ પરિવાર રૂ. 2500 અને વાસણ અને અન્ય ઘર‌વખરી માટે રૂ. 2500 પ્રતિ પરિવાર ઠરાવ્યા છે. જોકે આ પરિપત્રમાં ઘર‌વખરી ચૂકવવા માટે જે શરત મૂકી છે તે આશ્રર્યજનક છે. આ શરતમાં જેમનું ઘર બે દિવસથી (48 કલાકથી વધુ) પાણીમાં ડૂબેલું હોય તેમને ઉક્ત ઘર‌વખરી ચૂકવવા જણાવ્યું છે. 48 કલાક ઘરમાં પાણી ભરાયેલાં હોવાં જોઈએની શરતને કારણે રાજ્યમાં ઘર‌વખરીની નુકસાની થઇ હોવા છતાં ઘણા ગરીબ પરિવારોને સહાયથી વંચિત રાખ્યા છે. નવસારી શહેરમાં 3 વખત નદીનાં પૂરના પાણીથી ઘરવખરીને નુકસાની થઇ છતાં 2 દિવસની શરતથી કોઇને ઘર‌‌વખરી ચૂકવાઇ નથી. રાજ્યમાં અન્ય જગ્યાએ પણ સહાય અંગેની આ શરત ઘરવખરી ચૂકવવામાં બાધારૂપ બની હોવાનું જાણવા મળ્યું છે. અહીં પ્રશ્ન એ ચર્ચાઇ રહ્યો છે કે શું 48 કલાક ઘરમાં પાણી રહે તો જ ઘર‌વખરીને નુકસાન થાય ? 12 કલાક, 24 કલાક કે 47 કલાક પાણી ભરાય તો નુકસાની નહીં થાય ?


રાજ્ય સરકાર 2023 અગાઉ 2015ના મહેસૂલ વિભાગના કુદરતી આપત્તિ અંગેના પરિપત્રનો અમલ કરતી હતી. ઉક્ત પરિપત્રમાં ઘર‌વખરી સહાય કપડાં માટે રૂ. 1800 અને અન્ય માટે 2 હજાર રૂપિયા હતી, જે 8 વર્ષ બાદ બન્ને માટે 2500-2500 રૂપિયા કરાઇ પરંતુ બે દિવસ ઘરમાં પાણી ભરાવાની શરત 2015માં પણ હતી અને 2023માં પણ દૂર કરાઇ નથી. જેથી હજારો ગરીબ પરિવારોને ઘરવખરીની નુકસાની થવા છતાં સહાયથી વંચિત રહ્યા છે.