રિપોર્ટ@ગુજરાત: વરસાદના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ

રાહત અને બચાવ કામગીરીની તૈયારીઓની સમીક્ષા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં ધોધમાદ વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે.રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદ અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે આજે સવારે 10:30 વાગ્યે સ્વર્ણિમ સંકુલ-1 ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કેબિનેટ બેઠકમાં રાજ્યમાં સર્જાયેલી વરસાદી સ્થિતિ અને વિવિધ જિલ્લાઓની પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં સર્જાયેલી પૂર જેવી સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી વધુ અસરકારક રીતે હાથ ધરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ વિવિધ જિલ્લાઓના પ્રભારી સચિવોને પોતાના ફાળવાયેલા વિસ્તારોની મુલાકાત લઈને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન સાધવાની સૂચના આપી હતી. સાથે જ પ્રભારી મંત્રીઓને પણ વરસાદી પરિસ્થિતિમાં સતત મોનિટરિંગ રાખી અસરગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક સહાય અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વહીવટી તંત્ર સાથે સંકલન કરવાની સૂચના આપવામાં આવી હતી.

કેબિનેટ બેઠકમાં રાજ્યના જળાશયોની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારોમાં સર્જાયેલી પરિસ્થિતિ, વરસાદથી થયેલા નુકસાન તેમજ રાહત અને બચાવ કામગીરીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે. સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જરૂરી સૂચનાઓ અંગે પણ ચર્ચા થઈ છે.

ખેડૂતોને અસર કરતા મુદ્દાઓ પણ બેઠકના કેન્દ્રમાં રહ્યા. યુરિયા સહિત ખાતરના ઉપલબ્ધ જથ્થાની સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત રાજ્યમાં ચાલી રહેલી સરકારી ભરતી પ્રક્રિયા, વિવિધ વહીવટી મુદ્દાઓ, પાણી પુરવઠાની વ્યવસ્થા તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગે પણ મંત્રણા કરવામાં આવી. તાજેતરમાં વડાપ્રધાન દ્વારા મંત્રીઓને આપવામાં આવેલા માર્ગદર્શન અને સૂચનોના અમલીકરણ અંગે પણ ચર્ચા થઈ છે.

રાજ્યમાં સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે કેબિનેટ બેઠકમાં વિશેષ ભાર મૂકવામાં આવશે. વરસાદ બાદ સ્વચ્છતા જાળવવા અને આરોગ્ય સંબંધિત પડકારોને પહોંચી વળવા માટે વિવિધ વિભાગોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.