રિપોર્ટ@દેશ: વુમન્સ વન-ડે વર્લ્ડ કપમાં ભારતની શાનદાર જીતનો જશ્ન, જાણો વધુ વિગતે

અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં લોકો રસ્તા પર ઉતર્યા હતા અને મહિલા ક્રિકેટ ટીમની જીતને સેલિબ્રેટ કરી હતી.
 
રિપોર્ટ@ગુજરાત: વુમન્સ વન-ડે વર્લ્ડ કપમાં ભારતની શાનદાર જીતનો જશ્ન, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વુમન્સ વન-ડે વર્લ્ડ કપમાં ભારતની શાનદાર જીત થઈ છે. વુમન્સ વનડે વર્લ્ડ કપ 2025ની ફાઈનલમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામે 53 રને ધમાકેદાર જીત મેળવી છે. મહિલા વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતીય મહિલા ટીમે આ ટાઈટલ પ્રથમવાર જીત્યું છે. મહિલા ક્રિકેટ ટીમની આ સિદ્ધિને લઈ ગુજરાત સહિત દેશભરમાં જશ્નનો માહોલ છે. મોડીરાતે અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં લોકો રસ્તા પર ઉતર્યા હતા અને મહિલા ક્રિકેટ ટીમની જીતને સેલિબ્રેટ કરી હતી. લોકોએ તિરંગા સાથે બાઈક રોલી યોજી હતી, તો કેટલાકે ફટાકડા ફોડી આતશબાજી કરી હતી.

ઈતિહાસમાં સૌપ્રથમ વખત ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાને હરાવી વર્લ્ડકપ જીતતાં અમદાવાદીઓ રસ્તા પર ઉમટી પડ્યા હતા. મણિનગરથી લઈ સિંધુભવન રોડ સુધી વિવિધ વિસ્તારોમાં લોકોએ આ ઐતિહાસિક વિજયને વધાવી લીધો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં ક્રિકેટરસિકો હાથમાં ભારતનો ઝંડો લઈને ભારત માતાકી જયના નારા લગાવ્યા હતા. વાહનો ઉપર હાથમાં ત્રિરંગો લઈને વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા. લોકોએ ફટાકડા ફોડીને પણ ઉજવણી કરી હતી. મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ પહેલી વખત જીત્યા હતા ત્યારે જે રીતે પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપ જીતે એવો જ માહોલ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યા હોવાની ઉજવણી કરવામાં આવી હતી.

મહિલા ભારતીય ક્રિકેટ ટીમની શાનદાર જીતથી સુરત શહેર સંપૂર્ણપણે ઉત્સવના રંગે રંગાઈ ગયું હતું. શહેરના મુખ્ય અને ઐતિહાસિક વિસ્તારોમાંના એક એવા ભાગળ વિસ્તારમાં જીતની ઘોષણા થતાં જ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જશ્નનો માહોલ છવાઈ ગયો હતો. સામાન્ય રીતે વેપારી પ્રવૃત્તિઓનું કેન્દ્ર ગણાતો ભાગળ વિસ્તાર રાત્રે લાઇટો અને ફટાકડાની રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો. મોટી સંખ્યામાં એકઠા થયેલા સુરતીઓએ પોતાના રાષ્ટ્રીય ગૌરવ અને આનંદની લાગણીને જોરદાર રીતે વ્યક્ત કરી હતી.

વડોદરા શહેરમાં મહિલા આઈસીસી વર્લ્ડ કપ વિજય બાદ ઠેર-ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને શહેરના માંડવી દરવાજા વિસ્તારમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. સાથે કેટલીક મહિલા કોર્પોરેટર દ્વારા પોતાના વિસ્તારમાં મેચનું લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા પ્રસારણ કરી ચાહકોને મોટા પડદા પર મેચ જોવડાવી જીત બાદ ભવ્ય ઉજવણી કરી હતી. મેચમાં જીત બાદ ફટાકડા ફોડી ચાહકોને જીતની ઉજવણી કરી હતી.