રિપોર્ટ@ગુજરાત: મધ્ય ગુજરાત કપાસ અને શાકભાજીની વાવણી માટે તૈયાર, જાણો વિગતે

કેટલાક ખેડૂતો પાણીની અછતના કારણે હેરાન-પરેશાન થઈ રહ્યા છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાતમાં ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે રાજ્યભરના ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, કેટલાક જિલ્લાઓમાં ખેડૂતોને પાણી અને વીજળીની સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. પૂરતા પ્રમાણમાં પાણી-વીજળી ના મળતા વાવણીમાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે વાત કરીએ મધ્ય ગુજરાતની તો અહીં સૌથી વધુ કપાસ અને શાકભાજીની વાવણી કરવામાં આવે છે. જેમા પણ કેટલાક ખેડૂતો પાણીની અછતના કારણે હેરાન-પરેશાન થઈ રહ્યા છે.

દિલીપભાઈ નામના ખેડૂતે વાવણી ટાણે પાણી સમસ્યા વિશે વાત કરતાં જણાવ્યું હતુ કે, ‘જે ખેડૂતોને પાણીની સુવિધા છે તેમણે વાવણી કરી લીધી છે.વિસ્તારમાં લગભગ 30 થી 40 ટકા જેટલી વાવણી થઈ ગઈ છે.અહીં મુખ્ય કપાસ અને ડાંગરનું વાવેતર છે.કેટલાક ખેડૂતોએ ડાંગરની ધરુવાડીઓ પણ નાખી દીધું છે.કેટલાક ખેડૂતો સોયાબિન પણ વાવે છે. જે ખેડૂતોને પાણીની સુવિધા નથી તેઓ વરસાદની રાહ જોઈને બેઠા છે.અમારા વિસ્તારમાં મિયાગામ બ્રાન્ચની માઇનોર કેનાલ હોવા છતાં ત્રણ વર્ષથી પાણી નથી આવતું.અમારા વિસ્તારમાં વીજળીની સમસ્યા એટલી બધી નથી. અંદરના વિસ્તારોમાં થોડી સમસ્યા છે. વૃક્ષો પડી જવાથી ક્યારેક વીજ સમસ્યા સર્જાય છે’

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ ખેડૂતો દ્વારા પાક વાવેતરની કામગીરીને વેગ મળ્યો છે. રાજ્યમાં જૂન-2026 દરમિયાન કુલ 4,27,152 હેક્ટર વિસ્તારમાં પાક વાવેતર નોંધાયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન થયેલા 3,41,188 હેક્ટર વાવેતરની સરખામણીએ નોંધપાત્ર રીતે વધુ છે.

કૃષિ વિભાગના પ્રાથમિક આંકડા મુજબ, રાજ્યમાં આ વર્ષે સૌથી વધુ કપાસના પાકનું વાવેતર થયું છે. રાજ્યના ખેડૂતો દ્વારા 2,39,885 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે મગફળી બીજા ક્રમે રહી છે અને 1,36,541 હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર નોંધાયું છે. પાકવાર આંકડાઓ મુજબ ધાન્ય પાકોનું 3,613 હેક્ટર, કઠોળ પાકોનું 673 હેક્ટર તેમજ તેલીબિયાં પાકોનું 1,37,473 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે.