રિપોર્ટ@ગુજરાત: આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે, કુલ રૂ.751 કરોડનાં કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેમના હસ્તે ગરીબોને 1010 આવાસો સોંપવા સહિત મનપા તંત્રના રૂ. 751 કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત બાલાજી હોલ નજીક લેઉવા પટેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત નવનિર્મિત અત્યાધુનિક બોર્ડિંગ ભવનનું લોકાર્પણ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ મુખ્યમંત્રી કરશે. સાથે જ ભક્તિનગર સર્કલ ખાતે આયોજિત કાર્યક્રમમાં વડીલોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ તેમના હસ્તે કરાશે.
અટલબિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે આનંદનગર હાઉસિંગ બોર્ડના રહેવાસીઓ આયોજિત અભિવાદન કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી હાજરી આપશે. આ સાથે જ મુખ્યમંત્રીનાં હસ્તે RTOનાં નવા ટેસ્ટ ટ્રેક તેમજ કચેરીનું લોકાર્પણ કરાશે. જંગલેશ્વરમાં ડિમોલિશન કરાયું તે રસ્તે પાણી ભરાયેલુ ન રહે તે માટે રૂ.1 કરોડથી વધુના ખર્ચે સ્લેબ કલ્વર્ટ બનાવવાનાં કામનું ખાતમુહૂર્ત પણ કરાશે.
રાજકોટ શહેરના વિકાસને માટે મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસકામો કરવામાં આવી રહ્યા છે. આ પૈકીનાં પૂર્ણ થયેલા કામોનું લોકાર્પણ અને કેટલાક નવા કામોનું ખાતમુહૂર્ત આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં હસ્તે કરાશે. જેમાં ગરીબોને ઘરનું ઘર મળી રહે તે આશયથી બનેલા 1010 આવાસોનું લોકાર્પણ કરી સીએમ 1000 જેટલા પરિવારોને ઘરના ઘરની ભેંટ આપશે. તેમજ રૈયાધારનાં અને ઘંટેશ્વરનાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરાશે. આ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગોનું નવીનીકરણ કરવાનાં તેમજ નવા ભળેલા વિસ્તારોમાં પાણીનું વિતરણ યોગ્ય રીતે કરી શકાય તે માટે બનનારા 150 MLDનાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત અલગ-અલગ 40 વિકાસકામોનું ખાતમુહૂર્ત સીએમનાં હસ્તે કરાશે. આમ મહાપાલિકાનાં રૂ. 751.19 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તનો કાર્યક્રમ બપોરે 03:00 કલાકે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાશે.

