રિપોર્ટ@ગુજરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં અચાનક ટેક્નિકલ ખામી સર્જાઈ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની છે. 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનાર મતદાનમાં દેશના ટોચના નેતાઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ, નરેન્દ્ર મોદી પણ અમદાવાદમાં મતદાન કરશે એટલે સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવાની તૈયારી શરૂ કરાઈ છે. સાથે જ અમિત શાહ, આનંદીબેન પટેલ, મંગુભાઇ પટેલ, મનસુખ માંડવીયા, સી.આર.પાટીલ અને નિમુબેન બાંભણિયા પણ પોતાના મતક્ષેત્રોમાં હાજર રહી મતદાન કરી શકે છે.
અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે સાઠંબા આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં અચાનક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. બાયડ હેલિપેડ પર ઉડાન ભરતા પહેલા જ હેલિકોપ્ટરમાં ક્ષતિ જણાતા પાયલોટે સુરક્ષાના કારણોસર ઉડાન ભરવાનો ઇનકાર કર્યો હતો. આ સ્થિતિમાં મુખ્યમંત્રીને તેમનો સાબરકાંઠાનો પ્રવાસ રોડ માર્ગે પૂર્ણ કર્યો હતો.
અમદાવાદના અમરાઈવાડી વિધાનસભાના ભાજપના ગ્રુપના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે જેમાં મહિલા કાર્યકર્તાઓએ બળાપો ઠાલવ્યો છે. તો સુરતમાં ઉધના બાદ હવે કતારગામ-વેડ વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવાર રઘુ ખૂંટને જનતાના ભારે રોષનો સામનો કરવો પડ્યો છે.
સુરતમાં હર્ષ સંઘવીએ કોઈનું નામ લીધા વગર આમ આદમી પાર્ટી અને અન્ય વિપક્ષી નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે લુખ્ખા-ટપોરીઓનો વારો લાગી ગયો, હવે બીજાનો વારો આવશે.
વડોદરામાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે થયેલી બબાલો બાદ આજે કોંગ્રેસે લોકશાહી બચાવો ધરણાં કર્યા છે. તો રાજકોટમાં ચૂંટણી ટાણે ફરી એક વખત નરેશ પટેલ મેદાનમાં આવી ગયા છે.

