રિપોર્ટ@ગુજરાત: ધોરણ 10નું વિજ્ઞાનનું પેપર ખૂબ જ સરળ, આકૃતિ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ધોરણ 10ની પરિક્ષા ચાલુ છે. ધોરણ 10નું વિજ્ઞાનનું પેપર ખૂબ જ સરળ હતું. વિદ્યાર્થીઓ સારી રીતે સ્કોરિંગ માર્ક મેળવી શકે એ પ્રકારનું હતું. વિજ્ઞાનના પેપરનું ભૂલકા વિહાર સ્કૂલના શિક્ષિકા ભૂમિકા શ્રોફેએ સમગ્ર પેપરને લઈને એનાલિસિસ કર્યું હતું. વિજ્ઞાનના પેપરમાં પહેલા ક્વેશ્ચનમાં જ ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો પૂછાયા હતા. અંદાજે 24 માર્કના પૂછાયેલા પ્રશ્નોમાં એક પણ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન ન હતો, તેના કારણે વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના કન્ફ્યુઝન વગર સ્પષ્ટતાથી તેનો જવાબ આપી શક્યા હશે તેવું મને લાગે છે.
સામાન્ય રીતે વિજ્ઞાનના પેપરમાં કેસ સ્ટડીના ક્વેશ્ચન પૂછવામાં આવતા હોય છે, પરંતુ આ વખતે કેસ સ્ટડીના વધુ પ્રશ્ન પૂછાયા હતા. પ્રશ્ન નંબર 29,40 અને 52 ખૂબ સરળ પ્રશ્ન હતા, એમાંથી જ વિદ્યાર્થીઓને જવાબ મળી જાય તેવા હતા. મોટાભાગના પ્રશ્નો પાઠ્યપુસ્તકને આધારિત જ હતા. કોઈ ટ્વિસ્ટેડ કરીને પૂછાયાં ન હતા, જેના કારણે વિદ્યાર્થીઓને સરળતા રહી હતી.
બોર્ડની પરીક્ષામાં સામાન્ય રીતે આકૃતિલક્ષી પ્રશ્નો પણ પૂછાતા હોય છે, પરંતુ અત્યારે ભૂતકાળના પેપરોની સરખામણીએ જોઈએ, તો આ વખતના પેપરમાં આકૃતિ ઉપર ખૂબ જ ભાર આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ પોતાના જવાબમાં આકૃતિ દોરવી ફરજિયાત હતી, જેને કારણે હવે વિદ્યાર્થીઓએ જ્યારે બોર્ડની પરીક્ષાની તૈયારી કરવાની હશે, ત્યારે આકૃતિઓને પણ ખાસ પ્રાધાન્ય આપવાનું રહેશે. આ પ્રકારના પ્રશ્નો આવનારા વર્ષોમાં પણ પૂછાઇ શકે છે.
ઓલઓવર જોવા જઈએ તો વિદ્યાર્થીઓ પોતાના સ્કોરિંગ માર્ક મેળવવામાં સફળ રહેશે, જેના કારણે પરિણામ પણ તેમનું સારું આવી શકે છે. સમગ્ર પેપરમાં એક પણ ક્વેશ્ચન એવો નથી કે જેનાથી બાળકો કન્ફ્યુઝ થઈ શકે. ખૂબ જ સ્પષ્ટતાથી પૂછાયેલા પ્રશ્નો હતા અને વિદ્યાર્થીઓને પણ એ સરળ લાગ્યા હશે. બીજી કોઈ પ્રશ્ન પેપરની અંદર ભૂલ પણ દેખાતી નથી.
વિજ્ઞાનના શિક્ષક હિતેશ ભૂંડીયાએ જણાવ્યુ હતું કે, આજનું ધો. 10નું વિજ્ઞાનનું પેપર ખૂબ જ સરળ હતું, જેથી વિદ્યાર્થીઓને પાસ થવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. મોટાભાગના સબ્જેક્ટિવ પ્રશ્નો સરળ હતા. ટૂંકા પ્રશ્નોમાં 2થી 3 સવાલો એવા હતા કે, જે વિદ્યાર્થીઓને પેપર લખવામાં મૂંઝવી શકે. 1 માર્કનો 1 પ્રશ્ન વિદ્યાર્થીઓને જવાબ લખવામાં મુશ્કેલી ઉભી કરે તેવો છે. સાચા છે કે ખોટા તે લખવાના છે. જેમાં સવાલ છે કે પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે. આ પૂર્ણ યુગ્મ શબ્દ વિદ્યાર્થીઓમાં દ્વિધા ઉભી કરે તેવો છે. જોકે પેપર સરળ હોવાથી હોશિયાર વિદ્યાર્થીઓ 80માંથી 80 માર્કસ લાવે તેવી પૂરેપૂરી શક્યતા છે.