રિપોર્ટ@ગુજરાત: ઝાડીઓમાંથી મૃતકના કપડાં, મૃતદેહના અવશેષો મળ્યા

આ દૃશ્ય જોઈ ગ્રામજનોમાં શોક અને ભયની લાગણી વ્યાપી ગઈ હતી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમરેલી અને આસપાસના સિંહોના વિચરણના વિસ્તારોમાં માનવીઓ પર સિંહોના હિંસક હુમલાઓ વધી રહ્યા છે. એક દિવસ પહેલા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામે સિંહના હુમલામાં યુવકનું મોત થયું. હવે આવી જ ઘટના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં બની છે, જ્યાં મહુવા નજીક શ્રમિક યુવકને સિંહે ફાડી ખાધો છે. અમરેલીની ઘટનાની જેમ જ મહુવાની આ ઘટનામાં પણ યુવકનું માત્ર માથું જ મળ્યું છે.

ભાવનગર જિલ્લાના મહુવા નજીક પીંગલેશ્વર મહાદેવ જવાના માર્ગ પર ગઢડા ગામના 34 વર્ષીય યુવક પર સિંહે જીવલેણ હુમલો કરી તેને જંગલ તરફ ખેંચી જઈ ફાડી ખાધાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. મહુવાબ ગઢડા ગામનો યુવાન નાગજી પ્રેમજીભાઈ ગુજરીયા મજૂરી કામ પૂર્ણ કરીને ગઈ રાત્રિના સમયે પગપાળા પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન પીંગલેશ્વર મહાદેવ નજીક અચાનક સિંહે તેમના પર હુમલો કર્યો અને તેમને જંગલ તરફ ખેંચી ગયો.

ઘટનાની જાણ થતાં ગામના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા અને યુવકની શોધખોળ શરૂ કરી હતી. સાથે જ વન વિભાગને જાણ કરવામાં આવતા અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન બાવળની ગીચ ઝાડીઓમાંથી મૃતકના કપડાં તેમજ મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. આ દૃશ્ય જોઈ ગ્રામજનોમાં શોક અને ભયની લાગણી વ્યાપી ગઈ હતી.

ગઢડા ગામના સરપંચ સવજીભાઈએ ઘટના અંગે કહ્યું, “મને ગામમાંથી ફોન આવ્યો કે આપણાં ગામનો યુવાન નાગજીભાઈને સિંહે ફાડી ખાધો છે. અમે તાત્કાલિક વનવિભાગને જાણ કરી અને વનવિભાગની ટીમ ગામમાં આવી પહોચી હતી.”

મૃતક યુવકના મોટાભાઈ શાંતિભાઈએ જણાવ્યું, "મારો ભાઈ નાગજી કામેથી પરત ફરી રહ્યો હતો ત્યારે જાનવર એને ઝાડીમાં ખેંચી ગયા હતા. અમે બહારગામ હતા અને ગામમાંથી મને ફોન આવ્યો કે તમે અહીં આવો, ગામમાં આવો બનાવ બન્યો છે. મારા બે બાળકો અને માતા-પિતા અહીં છે. અમારું આ ઘર મારા ભાઈ પર જ ચાલતું હતું."

ઉલ્લેખનીય છે કે મહુવા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સિંહ સહિતના જંગલી પ્રાણીઓના હુમલાના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા વારંવાર વન વિભાગને માનવ વસાહત નજીક ફરી રહેલા સિંહોને દૂર ખસેડવા અને સુરક્ષા માટે પેટ્રોલિંગ વધારવા સહિતના અસરકારક પગલાં લેવા માંગ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર માનવ-વન્યપ્રાણી સંઘર્ષનો ગંભીર પ્રશ્ન ઉજાગર કર્યો છે.