રિપોર્ટ@ગુજરાત: CM ઓફિસ-હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાનો ધમકી ભર્યો મેઈલ, તંત્ર દોડતું થયું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે ધનતેરસના દિવસે જ ગુજરાતમાં ફરી બોમ્બની ધમકીએ તંત્રને દોડતું કરી દીધું છે. ગુજરાત હાઈકોર્ટ અને મુખ્યમંત્રી કાર્યાલય (CMO)ને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે.
મળતી માહિતી મુજબ આજે સવારે 8:43 વાગ્યે આ ઈમેલ મળ્યો હતો, જેમાં આજે બપોરે 1.11 વાગ્યે હાઈકોર્ટમાં અને 3.11 વાગ્યે CM ઓફિસમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે.ગુજરાતના પોલીસ વડા (DGP)ની કચેરીને બોમ્બની ધમકી ભર્યો ઈમેલ મળતા જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ઈમેલમાં સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત રાજ્યની તમામ જેલો અને DGP કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ધમકીભર્યા ઈમેલમાં 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો ઉલ્લેખ કરતા લખવામાં આવ્યું હતું કે, "2008ને ભૂલશો નહીં, મોટું સરપ્રાઈઝ આપવામાં આવશે."
ધમકી મળતા જ અમદાવાદની સાબરમતી જેલ ખાતે બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ (BDDS), ડોગ સ્ક્વોડ, SOG અને QRTની ટીમો પહોંચી હતી. પોલીસે જેલના મુખ્ય પ્રવેશદ્વાર, વહીવટી બ્લોક, મુલાકાત રૂમ અને ચાર દિવાલની આસપાસ સઘન તલાશી હાથ ધરી હતી.
રાજકોટ, વડોદરા અને સુરતની સેન્ટ્રલ જેલોમાં પણ આવી જ રીતે ચેકિંગ કરવામાં આવ્યું. અત્યાર સુધીની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, જેલ ખાલી કરી શકાતી ન હોવાથી અત્યંત સાવચેતી સાથે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સાયબર ક્રાઈમ સેલ દ્વારા ઈમેલ મોકલનારની ઓળખ અને લોકેશન શોધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

