રિપોર્ટ@ગુજરાત: નરોડા બ્રિજ પાસેથી 1 કરોડનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દારૂના ગુનાઓ ખૂબજ વધી ગયા છે.ટેન્કરહરિયાણાથી અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં લઈ જવાતો 1 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ અમદાવાદ પોલીસ કમિશનરની PCB સ્ક્વોડ દ્વારા નરોડા વિસ્તારમાં આવેલા સુતર કારખાના બ્રિજ પાસેથી પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી 1.28 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાઈકલની ખોટી બીલટી બનાવી હરિયાણાના હિસારથી દારૂ ગુજરાત લવાતો હતો. આખું કન્ટેનર ભરેલો એક કરોડનો દારૂ ગુજરાતમાં લાવવામાં આવ્યો હતો જે અમદાવાદ ગ્રામ્યના અસલાલી તરફ લઈ જવાતો હતો. પીસીબી દ્વારા દારૂનો જથ્થો ઝડપી આરોપી ડ્રાઇવરની ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ પોલીસ કમિશનરની PCB સ્ક્વોડના પીઆઇ જે.પી. જાડેજાની ટીમને બાતમી મળી હતી કે હરિયાણાથી રાજસ્થાન પાર્સિંગનું એક મોટું કન્ટેનર અમદાવાદમાં આવી રહ્યું છે જે નરોડા રીંગરોડથી સુતરના કારખાના પાસેથી પસાર થવાનું છે જેના આધારે PCB ટીમ સુતર કારખાના બ્રિજ પાસે મોડી રાત્રે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. બાતમીવાળું કન્ટેનર આવતાની સાથે જ તેને રોકવામાં આવ્યું હતું. પોલીસે ડ્રાઇવરની પૂછપરછ કરતા તેનું નામ માંગીરામ જાટ હોવાનું જણાવવામાં આવ્યું હતું. ડ્રાઇવર પાસે કન્ટેનરમાં વસ્તુ અંગેની બિલ માંગવામાં આવ્યું હતું. જેથી તેણે સાઇકલનો જથ્થો હોવા અંગેની બિલ્ટી બતાવી હતી. કન્ટેનરમાં દારૂ હોવાની બાતમીને લઈને ટીમ દ્વારા કન્ટેનર ખોલીને તપાસ કરવામાં આવી હતી.
જ્યારે કન્ટેનર ખોલીને તપાસ કરી તો તેમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની પેટીઓના બોક્સ ભરેલા મળી આવ્યા હતા. અડધું કન્ટેનર ભરીને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો હોવાને લઈને આખી રાત ટીમ દ્વારા ગણતરી કરવામાં આવી હતી. 23,232 નંગ બોટલો ભરેલી 892 દારૂની પેટીઓનો કુલ 1.08 કરોડનો જથ્થો મળી આવ્યો હતો. નરોડા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ લાવી આરોપી ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

