રિપોર્ટ@ગુજરાત: દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે આવતા પડતર દિવસે રજા જાહેર કરવામાં આવી
ગુરુવારથી રવિવાર સુધી મીની વેકેશન, 9 નવેમ્બરે બીજા શનિવારે સરકારી કચેરી ચાલુ રહેશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સરકારી કર્મચારીઓ માટે દિવાળીની રજાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આ વખતે 31 ઓક્ટોબરના ગુરૂવારે દિવાળી છે. ત્યારે દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે આવતા પડતર દિવસે રજા જાહેર કરવામાં આવી છે. દિવાળી બાદ આવતા પડતર દિવસે એટલે કે શુક્રવારે સરકારી કચેરીઓ ચાલુ રાખવામાં આવી હતી. જોકે, હવે સરકારે 1 નવેમ્બર 2024ના શુક્રવારના કચેરી બંધ રાખી તેના બદલામાં 9 નવેમ્બર 2024ના બીજા શનિવારના રોજ કચેરીઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા કેલેન્ડર વર્ષ 2024 માટે જાહેર રજાઓ જાહેર કરવામાં આવી છે. તે મુજબ તા. 31 ઓક્ટોબર 2024ના ગુરૂવારના રોજ દિવાળીની જાહેર રજા છે. ત્યાર બાદ તા. 2 નવેમ્બર 2024ના શનિવારના રોજ નૂતન વર્ષ દિન નિમિત્તે જાહેર રજા તથા તા. 3 નવેમ્બર 2024ના રોજ ભાઈબીજ નિમિત્તે જાહેર રજા આવે છે. જ્યારે આ રજાઓ વચ્ચે 1 નવેમ્બર 2024 શુક્રવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ છે.
દિવાળી પર્વમાં સરકારી અધિકારી, કર્મચારીઓ તહેવાર માણી શકે તે માટે તા. 1 નવેમ્બર 2024 શુક્રવારના રોજ તમામ કચેરીઓ બંધ રહેશે અને તેના બદલે તા. 9 નવેમ્બર 2024ના બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે.