રિપોર્ટ@ગુજરાત: ધુળેટીની ખુશી માતમમાં ફેરવાઈ, 5 લોકના મોત, કીમ નદીમાં 3 યુવક ડૂબ્યા, માલપુરમાં 2 પિતરાઈ ભાઈ તણાયા

રંગોથી રમી લીધા બાદ શરીર સાફ કરવા માટે આ યુવાનો નજીકમાં વહેતી કીમ નદીમાં નહાવા ગયા હતા.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સમગ્ર દેશ અને રાજ્ય હોળી - ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જ્યારે હોળી-ધુળેટીના રંગોમાં તરબોળ હતું, ત્યારે ગુજરાતના બે અલગ-અલગ જિલ્લાઓમાં માતમના દૃશ્યો સર્જાયા છે. સુરતના માંગરોળ અને અરવલ્લીના માલપુરમાં ધુળેટી રમીને નહાવા પડેલા કુલ 5 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. આ ઘટનાઓને પગલે જે પરિવારોમાં સવારે ગુલાલ ઉડતો હતો, ત્યાં સાંજે આક્રંદ જોવા મળ્યો હતો.

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાનસરા ગામ નજીક એક અત્યંત દુખદ ઘટના બની હતી. અહીંની એક રેસીડેન્સીમાં રહેતા યુવાનો સવારથી ધુળેટી રમી રહ્યા હતા. રંગોથી રમી લીધા બાદ શરીર સાફ કરવા માટે આ યુવાનો નજીકમાં વહેતી કીમ નદીમાં નહાવા ગયા હતા.

નહાતી વખતે ત્રણ યુવાન અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સાથે રહેલા મિત્રોની બૂમાબૂમ સાંભળી સ્થાનિકો અને તરવૈયાઓ દોડી આવ્યા હતા.

મૃતક યુવાનોની ઓળખ ચંદ્રભૂષણ સિંગ, હેપ્પી ભાઈ સિંગ અને સંજય ધનજી માંગુકિયા તરીકે થઈ છે. આ ત્રણેય યુવાનો ધુળેટીના દિવસે નદીમાં ન્હાવા માટે ગયા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.

કોસંબા પોલીસ અને ફાયર ફાઇટરની ટીમે ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા હતા. મૃતકોમાં બે પરપ્રાંતિય અને એક સ્થાનિક ગુજરાતી યુવાનનો સમાવેશ થાય છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નવા ગામે પણ ધુળેટીની ખુશીઓ શોકમાં ફેરવાઈ ગઈ હતી. અહીં ગામના તળાવમાં નહાવા પડેલા બે માસૂમ બાળકના મોત નિપજ્યા છે.

રાયચંદ ડામોર અને જૈમીન ડામોર નામના બે પિતરાઈ ભાઈઓ ધુળેટી રમીને શરીર સાફ કરવા ગામના તળાવે ગયા હતા. આ બંને બાળકો ધોરણ 5 અને 6માં અભ્યાસ કરતા હતા. નહાતી વખતે અચાનક ઊંડા પાણીમાં ઉતરી જવાથી બંને બાળક ડૂબવા લાગ્યા હતા. મોડાસા ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. માલપુર પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે CHC ખાતે ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ બંને ઘટનામાં એક સમાનતા જોવા મળી છે કે, ઉત્સાહમાં આવીને જળાશયોમાં નહાવા જવું જીવલેણ સાબિત થયું છે. સુરત અને અરવલ્લીના આ બંને પંથકમાં આશાસ્પદ યુવાનો અને બાળકો ગુમાવતાં સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. વહીવટી તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવા છતાં, તહેવારોના સમયે નદી કે તળાવમાં નહાવા જતી વખતે રાખવામાં આવતી અસાવધાની આવા ગંભીર અકસ્માતો નોતરે છે.