રિપોર્ટ@ગુજરાત: વરસાદની અછતના કારણે ખેડૂતોને 8ના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવાયો

વાવેતરને સુકાઈ જતું બચાવી શકશે અને પાકને પૂરતું જીવનદાન મળી રહેશે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વરસાદની અછતના કારણે ખેડૂતોને 8ના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવાયો.રાજ્યમાં વરસાદ ખેંચાવાને કારણે અને અલનીનોની સંભવિત પ્રતિકૂળ અસરને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કૃષિ ક્ષેત્રે ઊભી થયેલી પાણીની તંગીને ધ્યાનમાં રાખીને હવે ખેડૂતોને નિયમિત 8 કલાકના બદલે 10 કલાક વીજળી પૂરી પાડવામાં આવશે. સરકારના આ આગોતરા આયોજન અને નિર્ણયથી ખેડૂતો પોતાના કિંમતી આગોતરા વાવેતરને સુકાઈ જતું બચાવી શકશે અને પાકને પૂરતું જીવનદાન મળી રહેશે.

ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત નબળી રહેતા અને વરસાદ લાંબા સમય સુધી ખેંચાતા સમગ્ર ગુજરાત રાજ્યના ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કૃષિ પ્રધાન એવા આપણા રાજ્યમાં ખરીફ પાકના વાવેતર બાદ તુરંત જ વરસાદ ગાયબ થઈ જતાં ખેતી માટે સંકટ ઊભું થયું છે. પૂરતા વરસાદના અભાવે જમીનમાં ભેજ સુકાઈ રહ્યો છે અને કુવા તથા બોરના તળ નીચા જવાથી સિંચાઈ માટે પાણીની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધી રહી છે. ખેડૂતોએ મોંઘા બિયારણ અને ખાતર લાવીને વાવેતર તો કરી દીધું છે, પરંતુ હવે તે પાકને જીવંત રાખવા માટે કૃત્રિમ સિંચાઈ સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી, જેના કારણે ખેડૂતો મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયા છે.

વરસાદ ન પડવાને કારણે ઊભી થયેલી આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના વિવિધ ખેડૂત સંગઠનો, અગ્રણીઓ અને કૃષિ ક્ષેત્રના આગેવાનો દ્વારા સરકારમાં તથા મુખ્યમંત્રીને તાત્કાલિક ધોરણે રજૂઆતો કરવામાં આવી હતી. ખેડૂતોની મુખ્ય માગણી એવી હતી કે પાકને બચાવવા માટે હાલમાં આપવામાં આવતી 8 કલાકની વીજળી પૂરતી નથી, તેથી વીજ પુરવઠાનો સમય વધારવામાં આવે. આ રજૂઆતો પ્રત્યે સંવેદનશીલતા દાખવીને રાજ્ય સરકારે એક બહુ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કૃષિ ક્ષેત્રમાં સિંચાઈની વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે હવે કૃષિ ફીડરોમાં 8 કલાકના સ્થાને રોજના 10 કલાક વીજ પુરવઠો આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી તરફથી મળેલી વિશેષ સૂચનાના અનુસંધાનમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા આ અંગેનો સત્તાવાર પરિપત્ર અને માર્ગદર્શિકા તુરંત જ જારી કરી દેવામાં આવી છે. સરકારના આ આદેશના પગલે વીજ કંપનીઓ જેવી કે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન  અને સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટરને આ નવી વ્યવસ્થાનો તાત્કાલિક અસરથી અમલ કરવા માટે કડક આદેશો આપી દેવાયા છે. જે વિસ્તારોમાં હાલમાં પાણીની તીવ્ર અછત છે અને કૃષિ વીજળીની માંગ વધુ છે, ત્યાં કોઈપણ પ્રકારના વિલંબ વગર વધારાના 2 કલાક વીજળી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય આગામી એક માસ એટલે કે એક મહિના સુધી ખાસ વ્યવસ્થાના ભાગરૂપે અમલમાં રહેશે. આ વધારાની વીજળી મળવાને કારણે ડાંગર, શેરડી, કેળા અને પપૈયા જેવા રોકડિયા પાકો, જેને વિપુલ પ્રમાણમાં પાણીની જરૂરિયાત હોય છે, તેને ખૂબ જ મોટો ફાયદો થશે. કુદરતી વરસાદના અભાવે ખેડૂતોનો સંપૂર્ણ આધાર હવે બોરવેલ, સબમર્સિબલ પંપ અને અન્ય વીજચાલિત સાધનો પર વધી ગયો છે. આ સંજોગોમાં નિયમિત અને પૂરતો વીજ પુરવટો મળવાથી રાજ્યમાં કૃષિ પાકના વાવેતર તેમજ તેના ઉછેરને નવું બળ મળશે અને પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી હતી તે દૂર થશે.

સરકારના આ સમયસરના અને સકારાત્મક નિર્ણયથી સમગ્ર રાજ્યના ખેડૂત પરિવારોમાં ભારે રાહત અને ખુશીનો માહોલ વ્યાપી ગયો છે. જે પાક પાણી વિના સુકાઈ જવાની આરે હતો, તેને હવે નવજીવન મળશે તેવી આશા બંધાઈ છે. સરકારના આ અભિગમથી ગ્રામીણ અર્થતંત્રને મોટું નુકસાન થતું અટકશે. ખેડૂતોએ તેમના હિતમાં લેવાયેલા આ આયોજનબદ્ધ નિર્ણય બદલ સરકારનો આભાર માન્યો છે અને કટોકટીના સમયે વીજળીનો વ્યાપક સમયગાળો વધારવાના આ કદમને ચારેય તરફથી ખૂબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે.

જયેશ દેલાલએ જણાવ્યું હતું કે, આ વર્ષે વરસાદ ખેંચાયો છે એને કારણે ખેડૂતો ચિંતાતુર છે. મુખ્ય પાણીનો સ્ત્રોત પાકમાં ખૂબ જ જરૂરી હતો, અને ખેડૂતો અને ખેડૂત આગેવાનો અને ખેડૂત સંગઠનો તરફથી સરકારમાં અને માનનીય મુખ્યમંત્રીને રજૂઆત થઈ હતી કે જે આઠ કલાક વીજળી આપવામાં આવે છે એને વધારીને 10 કલાક કરવી જોઈએ.

વધુમાં કહ્યું કે, આ વર્ષે જે રીતે વરસાદ ખેંચાયો છે, પાણીની ખૂબ જ જરૂરિયાત હોય સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તમામ ખેડૂતોને પાણીની જરૂરિયાત છે, અને એમાં વીજળી 10 કલાક આપવાની સરકારે જે સ્વીકારી છે એને કારણે આવનારા દિવસોમાં પોતાનો પાક ખેડૂત બચાવી શકશે, એટલે સરકારના આ નિર્ણયને અમે વધાવીએ છીએ.