રિપોર્ટ@ગુજરાત: સરકારી યુનિવર્સિટીઓ માટે શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડી ભરતી નિયમોમાં મોટો સુધારો કર્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડી ભરતી નિયમોમાં મોટો સુધારો કર્યો છે. અત્યાર સુધી પ્રોફેસર અને અન્ય ઉચ્ચ પદોની ભરતી દરમિયાન ફિક્સ પગાર પર અધ્યાપક સહાયક તરીકે કરવામાં આવેલી સેવા અનુભવ તરીકે માન્ય ગણાતી નહોતી, જેના કારણે અનેક લાયક ઉમેદવારો વંચિત રહી જતા હતા. હવે નવા નિર્ણય મુજબ 5 વર્ષ સુધીનો ફિક્સ પગારનો શૈક્ષણિક અનુભવ માન્ય ગણાશે.
આ નિર્ણયનો આધાર અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંદર્ભે અપાયેલા અભિપ્રાય પર રાખવામાં આવ્યો હતો. હવે તે જ અભિપ્રાયનો અમલ રાજ્યની તમામ 14 મુખ્ય સરકારી યુનિવર્સિટીમાં ફરજિયાત કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, ભરતી પ્રક્રિયામાં ચાલતી વિસંગતતા દૂર કરી સમાનતા જાળવવામાં આવે. આ નવો નિયમ ગુજરાત યુનિવર્સિટી, એમ.એસ. યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તેમજ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સહિતની તમામ સરકારી યુનિવર્સિટીમાં લાગુ પડશે.
શિક્ષણવિદોના મત મુજબ, આ સુધારાથી લાંબા સમયથી ફિક્સ પગારે સેવા આપતા અધ્યાપક સહાયકોને ન્યાય મળશે અને ઉચ્ચ પદોની ભરતીમાં તેમની તક વધશે. સાથે-સાથે ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને સમાનતા પણ સુનિશ્ચિત થશે.

