રિપોર્ટ@ગુજરાત: ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ પ્રમુખ પદે જગદીશ પંચાલનું નામ જાહેર થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત તેમજ પદગ્રહણ સમારોહ કમલમ ખાતે યોજાશે. જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બનશે. તેમણે ગઈકાલે વિજયમુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવેએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, પ્રદેશ પ્રમુખ માટે જગદીશ પંચાલ સિવાય એકપણ ફોર્મ ભરાયું નથી. આમ જગદીશ પંચાલ બિનહરિફ થયા છે.
આજના પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઈન્ચાર્જ કે. લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત રહેશે.
આ પહેલાં ઠક્કરબાપાનગર ખાતે આવેલી વિક્રમ પાર્ક સોસાયટી ખાતેના તેમના નિવાસ્થાનેથી સવારે 8:30 વાગ્યે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે તેઓ ગાંધીનગર જવા નીકળશે. અમદાવાદના તમામ ધારાસભ્યો, સાંસદ સભ્યો અને નિકોલ વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે તેઓ ગાંધીનગર જશે. ગાંધીનગરના ભાટ નજીકથી અમદાવાદ શહેરના કાર્યકર્તાઓ તેમની સાથે રેલીમાં જોડાશે. સત્તાવાર જાહેરાત થયા બાદ જગદીશ પંચાલ ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ સંભાળશે.