રિપોર્ટ@ગુજરાત: સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાંથી નકલી નોટો મળી, પ્રદીપ ગુરુજીની ધરપકડ, જાણો વધુ વિગતવાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાંથી નકલી નોટો મળી આવી છે., પ્રદીપ ગુરુજીની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 6 શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ નોટો 500 રૂપિયાના દરની છે. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. હાલ પોલીસે તમામની ધરપકડ કરી આ બનાવટી ચલણી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમા નકલી નોટોની હેરાફેરી થતી હતી. નોટોની સપ્લાય માટે કાર પર ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા અને આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ થતો હતો. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી કરી હતી. જેમાં અમદાવાદમાંથી 2.10 કરોડની અને સુરતમાં 80 લાખની નકલી નોટો કબ્જે કરી છે. આ મામલે સત્ય યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની પણ ધરપકડ કરાઈ છે.
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામ ખાતે આવેલા શ્રી સત્ય યોગ ફાઉન્ડેશનના આશ્રમમાં નકલી નોટ છપાતી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન સંસ્થામાં છાપો મારી અનેક દસ્તાવેજો કબ્જે કર્યા છે. નકલી ચલણી નોટ છાપવામાં ઉપયોગમાં લેવાતા સાધનો પણ કબ્જે કરાયા છે.
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના રો હાઉસના મકાન નંબર 77માં અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દરોડા પાડ્યા હતા, જેમાં યોગગુરૂ પ્રદિપ સાથે સંકળાયેલા મુકેશ પટેલ નામના વ્યક્તિના ઘરેથી મોટી માત્રામાં ફેક કરન્સી અને પ્રિન્ટર સહિતના સાધનો મળી આવ્યા હતા. પોલીસે આ તમામ શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે અને હાલ મુકેશ પટેલની અટકાયત કરીને આ નેટવર્ક પાછળ અન્ય કોની સંડોવણી છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.
નકલી નોટોના જથ્થા સાથે ઝડપાયેલો પ્રદીપ જોટાંગીયા ઉર્ફે પ્રદીપ ગુરુજી રાજકોટમાં પણ સત્યમ યોગ & હેલ્થ સેન્ટરના નામે કલાસ ચલાવતો હતો. હાલ તેનો નાનોભાઈ અમિત જોટાંગીયા યોગ કલાસ ચલાવે છે. કોરોના પહેલા 5 વર્ષથી પ્રદીપ ગુરુજી સુરતમાં રહેવા માટે ટ્રાન્સફર થઈ ગયો હતો. રાજકોટમાં પણ અનેક લોકોનું ફૂલેકુ ફેરવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.
ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સુરતથી નકલી નોટોનો એક મોટો જથ્થો અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે અમરાઈવાડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ઓપરેશન દરમિયાન શંકાસ્પદ હિલચાલ જણાતા છ લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમની પાસેથી ₹500ના દરની કુલ 2 કરોડની ફેક કરન્સી મળી આવી હતી. ક્રાઇમ બ્રાંચે એક મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરી છે જે અમદાવાદમાં બનાવટી ચલણી નોટનો જથ્થો આપવા માટે આવ્યા હતા.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ નેટવર્ક સુરતથી સક્રિય હતું અને આ નકલી નોટોનો જથ્થો અમદાવાદમાં કોઈને પહોંચાડવાનો હતો. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ઊંડાળપૂર્વકની તપાસ હાથ ધરી છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નોટો ક્યાં છાપવામાં આવી હતી, આ રેકેટના તાર અન્ય કયા રાજ્યો કે શહેરો સાથે જોડાયેલા છે અને અગાઉ કેટલી નકલી નોટો બજારમાં વહેતી કરવામાં આવી છે. આ સફળ ઓપરેશનથી નકલી નોટોના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા છે.
પોલીસે આરોપીઓની આગવી સ્ટાઈલથી પૂછપરછ કરી હતી જેમાં ચોંકાવનારો પર્દાફાશ થયો હતો કે આ ચલણી નોટ સુરતના વરાછા ખાતે છાપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચની એક ટીમ વરાછા પહોચી ગઈ છે અને સ્થાનિક પોલીસની મદદ લઈને જ્યા નોટ છાપી રહ્યા હતા ત્યારે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે ચલણી નોટ પ્રિન્ટ કરવાનું મશીન સહિતની સામગ્રીઓ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યુ છે.
ઝડપાયેલા આરોપીઓએ ચલણી નોટને બજારમાં ફરતી કરવા માટે એક સ્કીમ રાખી હતી કે ઓરીજનલ ચલણી નોટ આપો અને ડુપ્લીકેટ લઈ જાઓ. ઝડપાયેલા તત્વોએ ક્રાઇમ બ્રાંચ સમક્ષ કબૂલાત કરી છે કે તેમણે 500 રૂપિયા ઓરીજનલ આપો અને 1500 રૂપિયા ડુપ્લીકેટ લઈ જાઓની સ્કીમ ચાલુ કરી હતી. બે કરોડ રૂપિયાની ડુપ્લીકેટ ચલણી નોટની સામે 66 લાખની અસલ ચલણી નોટ આપવાની હતી.
આરોપીઓએ નકલી નોટ છાપવાની હજુ શરૂઆત જ કરી હતી અને તેવામાં તે સંકજામાં આવી ગયા છે. પહેલી વખત ડીલ કરવા માટે આરોપીઓ નીકળ્યા હતા અને તેમની ધરપકડ કરી લેવાઈ છે. સુરતથી આખુ નકલી નોટ બનાવવું રેકેટ ચાલી રહ્યુ હતું જેમાં એજન્ટો બનાવવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી. દેશના ખુણેખુણે આરોપીઓએ બનાવેલી ચલણી નોટ પહોચાડવા માટે તેમણે એજન્ટો બનાવવાનું પણ શરુ કર્યુ હતું. સારુ કમીશન આપવાની લાલચ આપીને એજન્ટોની ફૌજ તૈયાર કરવાની તૈયારીઓ કરી રહ્યા હતા.
ક્રાઇમ બ્રાંચે 500ના દરની 40 હજારથી વધુ નોટ કબજે કરી લીધી છે જેનુ પંચનામું મોડી રાતથી ચાલુ છે. 40 હજાર નોટના સીરીયલ નંબર લખવામાં અને ત્યારબાદ તેનુ પંચનામુ કરવામાં ક્રાઈમ બ્રાંચનો પરસેવો છૂટી ગયો છે. ક્રાઇમ બ્રાંચની મોટાભાગની ટીમો હાલ આ કામગીરી કરવા માટે લાગી ગઈ છે.

