રિપોર્ટ@ગુજરાત: આજે કૃષિ રાહત પેકેજની અંતિમ સમીક્ષા બેઠક, જાણો કોણ ઉપસ્થિત રહેશે ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કમોસમી વરસાદ અને કુદરતી આફતોને કારણે પાકને થયેલા ભારે નુકસાન બાદ સરકારે ખેડૂતોને રાહત આપવા માટે તૈયારીઓ તેજ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે અતિ મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી છે, જેમાં કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કૃષિમંત્રી અને નાણામંત્રી પણ ઉપસ્થિત રહેશે.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ કૃષિ રાહત પેકેજની અંતિમ સમીક્ષા કરવાનો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર પેકેજના માપદંડો, સહાયની રકમ અને નાણાકીય જોગવાઈઓને અંતિમ રૂપ આપશે, જેથી ખેડૂતોને ઝડપથી સહાય મળી શકે. રાજ્ય સરકાર ખેડૂતોને ઐતિહાસિક રાહત આપવા માટે તૈયાર હોવાનું માનવામાં આવી રહ્યું છે અને જરૂરી હોય તો નિયમોમાં ફેરફાર કરીને પણ સહાય આપવાનો નિર્ણય લેવાઈ શકે છે.
જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સર્વેનો રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ ચૂક્યો છે. એસડીઆરએફનાં ધોરણો મુજબ ખેડૂતોને સહાય ચૂકવવા માટે કેન્દ્ર સરકારને જાણ કરવામાં આવી છે અને રાજ્ય સરકારના ભંડોળમાંથી પણ સહાય ચૂકવવાની વિચારણા ચાલી રહી છે. લગભગ 42 લાખ હેક્ટરથી વધારે અને 16 હજાર ગામથી વધારે ગામોમાં નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે.
આજે 7 નવેમ્બરે કૃષિમંત્રી જિતુ વાઘાણીએ પણ કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. કૃષિ વિભાગ દ્વારા જે પંચકામ કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને કેટલું નુકસાન થયું છે એ જાણી શકાય એ માટે આ બેઠક કરવામાં આવી હતી. હવે આ બેઠક બાદ રાહત પેકેજની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. લાંબા સમયથી રાહ જોતા ખેડૂતો માટે આ પેકેજ આર્થિક હૂંફરૂપ બનશે એવી આશા વ્યક્ત થઈ રહી છે.
ગાંધીનગરમાં હાલ ઉચ્ચ સ્તરીય ચર્ચાઓનો ધમધમાટ છે. જો આ પેકેજ જાહેર થાય છે તો લાખો ખેડૂતોને એનો સીધો લાભ મળશે અને તેઓ ફરીથી પાક વાવણી માટે પ્રેરણા મેળવી શકશે. આજની બેઠક બાદ જો તમામ વિભાગોમાં સહમતી બને, તો રાજ્ય સરકાર આવનારા દિવસોમાં રાહત પેકેજ જાહેર કરી શકે છે, એટલે ખેડૂતોની નજર આજની બેઠક પર ટકેલી છે.
આ વખતે સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનાં કેટલાંય ગામડાંમાં કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. એને કારણે નુકસાન વધ્યું છે. જાણકારોનું માનવું છે કે આ વર્ષે 22 લાખ હેક્ટરથી વધુની જમીનમાં માત્ર મગફળીનું જ વાવેતર થયું હતું. એમાં પણ માત્ર સૌરાષ્ટ્રમાં જ 16 લાખ હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયું હતું. એનું કારણ એવું છે કે ગત વર્ષે કપાસના ભાવો ઊપજ્યા નહોતા, આથી ખેડૂતોએ કપાસને બદલે મગફળી વધુ વાવી હતી. આ વધુ વાવેતર જ ખેડૂતોની આંખોમાં વધુ પાણી લાવી રહ્યું છે.

