રિપોર્ટ@ગુજરાત: ગુજરાતમાં ઇબોલાનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો, કયા પ્રકારના લક્ષણો જોવા મળશે ?

વડોદરાની વ્યક્તિને અમદાવાદમાં દાખલ કરવામાં આવ્યો છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આફ્રિકન દેશો યુગાન્ડા અને કોંગોમાં ફેલાયેલા ઇબોલા વાઇરસનાં પગલે તકેદારીના ભાગરૂપે અમદાવાદમાં AMC આરોગ્ય વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. ગુજરાતમાં ઇબોલાનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે. વડોદરાની વ્યક્તિને અમદાવાદમાં દાખલ કરવામાં આવ્યો છે.

જ્યારે આફ્રિકન દેશો યુગાન્ડા, સાઉથ સુદાન અને કોંગો દેશમાંથી અમદાવાદ આવેલા 11 જેટલા દર્દીઓને તેમના ઘરે હોમઆઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. દર્દીઓ પશ્ચિમ વિસ્તારમાં રહે છે અને કોઈપણ વ્યક્તિને લક્ષણો નથી તેમજ તેઓ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી. આ 3 દેશોમાંથી કોઈ દર્દી આવશે તો તેઓને ફરજિયાત હોમ આઇસોલેશનમાં રાખવામાં આવશે. SVP હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરેન્ટાઇન રાખવા માટે અલગથી 60 બેડનો વોર્ડ તૈયાર કરાયો છે.

AMCના આરોગ્ય વિભાગના અધિકારી ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, આફ્રિકન દેશોમાં ફેલાયેલા ઇબોલા વાઇરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સિવિલ હોસ્પિટલ અને એરપોર્ટ સાથે સંકલનમાં રહી કામગીરી કરી રહ્યા છીએ.યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાન દેશોમાંથી આવતા લોકોને એરપોર્ટ પર સ્ક્રીનિંગ અને સેલ્ફ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યા છે.

છેલ્લા 3 દિવસમાં યુગાન્ડાથી 11 લોકો અમદાવાદ આવ્યા છે. જેમાં થલતેજમાં 10 અને જોધપુરના 1 નાગરિક છે. તમામ 11 લોકોને હાલમાં હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારના તેઓને લક્ષણો નથી અને પોઝિટિવ દર્દીને સંપર્કમાં આવ્યા નથી.

 ત્રણ દેશમાંથી કોઈ પણ નાગરિક મુસાફરી કરીને આવે અને તેમને કોઈ પણ પ્રકારના લક્ષણો નથી અથવા પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા ન હોય તો તેઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવશે. જે કોઈ વ્યક્તિ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યું હોય તો તેમને ક્વોરન્ટીન કરવામાં આવશે. જો કોઈ પેસેન્જર આ દેશમાંથી મુસાફરી કરી આવ્યો હોય અને તેને લક્ષણો હોય તો સિવિલ હોસ્પિટલમાં તેને શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરવામાં આવશે.અત્યારે કોઈપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જે લોકો મુસાફરી કરી અને આવ્યા છે તેઓ યુગાન્ડાથી આવેલા છે અને તેમને હાલમાં હોમ કવોરન્ટીન રાખવામાં આવ્યા છે.

ઇબોલા વાઇરસ (EVD)ને કારણે જાહેર આરોગ્ય કટોકટીની આંતરરાષ્ટ્રીય ચિંતા (PHEIC) ઊભી થતાં, રાષ્ટ્રીય હિતમાં તમામ ઈન્ટરનેશનલ મુસાફરો માટે તાત્કાલિક અસરથી ફરજિયાત જાહેર આરોગ્ય પગલાં લાગુ કરવામાં આવ્યા છે. રોગના આયાત અને સંક્રમણના જોખમને ઘટાડવા માટે સિવિલ એવિએશન ડિરેક્ટોરેટ જનરલ (DGCA) અને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન (MOCA) દ્વારા પ્રવેશ બિંદુઓ (PoE-પોર્ટ ઓફ એન્ટ્રી) પર તમામ એરલાઇન્સ અને હિસ્સેદારો માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ (SDF)નું પાલન કડક બનાવવામાં આવ્યું છે.