રિપોર્ટ@ગુજરાત: લોકગાયક વિજય સુવાળાએ 50 લોકોના ટોળા સાથે મળીને હુમલો કર્યો

 અગાઉ બન્ને મિત્રો હતા

 
રિપોર્ટ@ગુજરાત: લોકગાયક વિજય સુવાળાએ 50 લોકોના ટોળા સાથે મળીને હુમલો કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં હુમલાના કેટલાક બનાવો સામે આવતા હોય છે. અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી હોય એમ લાગી રહ્યું છે. હત્યાના બનાવો બાદ જાણીતા લોકગાયક વિજય સુવાળાએ તેના ભાઈ અને 50થી વધુ મિત્રો સાથે મળીને ઓઢવ વિસ્તાર બાનમાં લીધો હોવાની ઘટના સામે આવી છે. દિનેશ ક્યાં છે? આજે તેને જાનથી મારી નાખવાનો છે, એવું કહીને મોડીરાતે વિજય સુવાળા સહિતના લોકોએ ઓઢવ વિસ્તારમાં હથિયાર સાથે એસ્ટેટ બ્રોકર (ભાજપના પ્રદેશ સંયોજક)ની ઓફિસ પર હુમલો કર્યો હતો. હથિયાર સાથે 50થી વધુ લોકોનું ટોળું એકઠું થતાં હાહાકાર મચી જવા પામ્યો હતો.

ઉલ્લેખનીય છે કે એસ્ટેટ બ્રોકર દિનેશ અને વિજય સુવાળા પહેલાં મિત્રો હતા, પરંતુ વર્ષ 2020થી બન્ને વચ્ચે અગમ્ય કારણોસર બોલાચાલી થઈ હતી. વિજય સુવાળા થોડા દિવસ પહેલાં 20થી વધુ ગાડીઓ અને 10થી વધુ બાઇક પર મિત્રો સાથે ઓઢવમાં હથિયારો લઇને આવ્યો હતો. વિજય સુવાળા પણ હાલમાં ભાજપનો કાર્યકર્તા છે.


આ અંગે મળતી માહિતી મુજબ, ઓઢવ વિસ્તારમાં આવેલી રબારી વસાહતમાં રહેતા અને જમીન લે-વેચનો ધંધો કરતા એસ્ટેટ બ્રોકર દિનેશ દેસાઇએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય ઉર્ફે વિજય સુવાળા રબારી, યુવરાજ ઉર્ફે યુવરાજ સુવાળા રબારી, રાજુ રબારી, વિક્કી, સુરેશ દેસાઇ, મહેશ દેસાઇ, જયેશ દેસાઇ, દિલીપ ઠાકોર, હીરેન દિલવાલા, જિગર ભરવાડ, નવધણસિંહ, ભાથીભા, રેન્ચુ શેઠ સહિત 40થી વધુ લોકો વિરુદ્ધમાં નામજોગ ધમકી તેમજ હુમલાની કોશિશ કરવાની ફરિયાદ નોંધાવી છે.


દિનેશ દેસાઇ મૂળ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના અડીસણા ગામનો રહેવાસી છે. દિનેશ દેસાઇ એસ્ટેટ બ્રોકર છે અને તેના પિતા એલઆઇસી એજન્ટ છે, જેમની ઓફિસ ઓઢવ પમ્પિંગ સ્ટેશનની સામે જવાલીન ચેમ્બર્સમાં આવી છે. દિનેશની ઓફિસ વૈષ્ણોદેવી સર્કલ ખાતે આવેલા રોઝહૂડ રિસોર્ટમાં આવેલી છે. દિનેશ સાથે તેનો પિતરાઇ ભાઈ ચેતન ભાગીદાર છે.

સાત વર્ષ પહેલાં દિનેશનો સંપર્ક જાણીતા લોકગાયક વિજય ઉર્ફે વિજય સુવાળા રબારી સાથે થયો હતો. વિજય સુવાળા સાથે તેનો ભાઈ યુવરાજ અને રાજુ રબારી પણ દિનેશને મળ્યો હતો. સૈજપુર ટાવર ખાતે સામાજિક પ્રસંગ હોવાથી દિનેશ અને વિજય સુવાળા મળ્યા હતા. વિજય સ્ટેજ શો કરતો હોવાથી અવારનવાર તેમની સાથે ફરતા વિક્કી, સુરેશ, મહેશ, જયેશ દેસાઇ, દિલીપ ઠાકોર, હિરેશ દિલવાલા, જિગર ભરવાડની દિનેશ સાથે મિત્રતા થઇ હતી. દિનેશ વિજય સહિત તમામ લોકો સાથે અવારનવાર મુલાકાત લેતો હતો તેમજ મહેસાણાના કટોસણ ગામના નવધણસિંહ સહિતના લોકો સાથે પણ વિજયે દિનેશની મિત્રતા કરાવી હતી.


વર્ષ 2020માં વિજય સુવાળા અને દિનેશ દેસાઇ વચ્ચે કોઇ કારણોસર મનદુઃખ થયું હતું, જેના કારણે સંબંધ તેમણે તોડી નાખ્યો હતો. તારીખ 1 જુલાઇના રોજ દિનેશ તેના ઘરે હાજર હતો, ત્યારે વિજય સુવાળાનો ફોન આવ્યો હતો અને ગંદી ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દિનેશે જે-તે સમયે કોઇ પોલીસ ફરિયાદ દાખલ કરી નહોતી. થોડા દિવસ પહેલાં દિનેશ પોતાના ઘરે હાજર હતો, ત્યારે રાતે વિજય સુવાળાનો ફોન આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એ બાદ દિનેશે પોતાનો ફોન કાપી નાખતાં વિજય સુવાળાએ અલગ-અલગ નંબરથી ફોન કરવાના શરૂ કરી દીધા હતા, પરંતુ દિનેશે કોઇ ફોન રિસીવ કર્યો નહીં.


બાદમાં રાતે 11 વાગ્યાની આસપાસ ચેતનનો ફોન દિનેશને આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે મારા પર બે શખસના ફોન આવ્યા હતા અને દિનેશ ક્યાં છે? તેને જાનથી મારી નાખવાનો છે, એમ કહીને ફોન કાપી નાખ્યો હતો. ચેતન દિનેશનો પિતરાઇ ભાઈ તેમજ ધંધામાં ભાગીદાર હોવાથી તેને ઘરની બહાર નીકળવા માટેની ના પાડી દીધી હતી.


દરમિયાન જય દેસાઇએ દિનેશને ફોન કર્યો હતો કે ઓઢવ રિંગ રોડથી 20થી વધુ કાર અને 10થી વધુ બાઇક પર બેસીને લોકો આપણા ઘર તરફ આવી રહ્યા છે. જયની વાત સાંભળીને દિનેશ રાતે બાર વાગ્યાની આસપાસ તેના પિતાની ઓફિસ પર આવી ગયો હતો. દિનેશને ત્યાં જય મળ્યો હતો, જેણે જણાવ્યું હતું કે 50થી વધુ લોકો જેના હાથમાં પાઇપ, ધોકા, હોકી સહિતનાં હથિયારો હતાં. તેઓ બૂમો પાડી રહ્યા હતા કે દિનેશ ક્યાં છે? આજે તેને મારી નાખવાનો છે. જે ટોળાં આવ્યાં હતાં, એમાં વિજય ઉર્ફે વિજય સુવાળા, યુવરાજ સુવાળા, રાજુ રબારી, વિક્કી, સુરેશ દેસાઇ, મહેશ દેસાઇ, જયેશ દેસાઇ સહિતના લોકો હતો.


દિનેશે તરત જ તેના પિતાની ઓફિસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં વિજય સુવાળા, યુવરાજ સુવાળા સહિતના લોકો હતા. દિનેશ પર હુમલો થાય એ દહેશતથી તેણે ભાગીદાર તેમજ જય સાથે મળીને ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ઓઢવ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.


વર્ષ 2020માં વિજય અને દિનેશ વચ્ચે કયા કારણોસર બબાલ થઇ હતી એ મામલે પણ ઓઢવ પોલીસે તપાસ શરૂ કરી છે. બબાલ બાદ બન્ને એકબીજાથી દૂર થઇ ગયા હોવા છતાંય ચાર વર્ષ બાદ વિજય સુવાળા દિનેશની હત્યા કરવા માટે ફરી રહ્યો હોવાની વાત સામે આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી છે. પોલીસે વિજય સહિત 50થી વધુ લોકો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.