રિપોર્ટ@ગુજરાત: આજે અમરેલી અને કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો

આગામી ત્રણ દિવસ દરમિયાન હીટવેવની આગાહી
 
તો જૂનાગઢ શહેરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં હાલ ઉનાળો ચાલી રહ્યો છે. ત્યારે કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હાલ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે તો કેટલાક વિસ્તારોમાં હજી પણ કમોસમી વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે સતત ચોથા દિવસે અમરેલી અને કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અમરેલીના ખાંભા પંથકમાં મિનિ વાવાઝોડા જેવા પવન ફૂંકાતા અનેક સ્થળો પર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા.


અમરેલી જિલ્લામાં આજે પણ કમોસમી વરસાદી કહેર વરસ્યો હતો. ખાંભા શહેર અને આસપાસનાં ગામડાંમાં બપોરના સમયે મિની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી. ભારે પવન સાથે વરસાદ વરસતાં રસ્તાઓ પાણી પાણી થયા હતા. છેલ્લા ચાર દિવસથી જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસતાં ધરતીપુત્રોની ચિંતા વધી છે. અમરેલીના ખાંભા પંથકમાં આજે મિનિ વાવાઝોડાની માફક ફૂંકાયેલા પવન ભારે તારાજી સર્જી હતી. ખાંભા શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા. તો અનેક કાચા મકાનના નળીયા અને છાપરા ઉડી ગયા હતા. વીજપોલ ધરાશાયી થવાના કારણે શહેરમાં લાઈટ ગુલ થઈ ગઈ હતી.


કચ્છમાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદનો દર યથાવત્ રહેવા પામ્યો છે. આજે દિવસભરની સખત ગરમી બાદ સાંજના ચાર વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. જિલ્લાના ભચાઉ, અંજાર, નખત્રાણા, માંડવી અને મુન્દ્રા તાલુકામાં જોરદાર પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ભચાઉ નગરમાં તેજ પવન અને ભયાનક ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં વરસતાં માર્ગો પર પાણી વહી નીકળ્યાં હતાં. તાલુકાના દૂધઈપટ્ટીના શિકરા, આંબરડી, કુંભારડી અને મોરગરમાં ભારે વરસાદનાં ઝાપટાં વરસ્યાં હતાં. કમોસમી વરસાદના કારણે વરિયાળી, અજમો અને રજકો સહિતના પાકોમાં વ્યાપક નુકસાની પહોંચી હોવાનું ખેડૂત લાલજી સતવારાએ જણાવ્યું હતું. પશ્વિમ કચ્છના નખત્રાણા અને તાલુકામાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. મોન્સૂનામાં કરાં સાથે વરસાદ પડ્યો હતો. માંડવી તાલુકાના ગઢશીશા ગામે ધોધમાર વરસાદ વરસતાં અંદાજિત અડધોથી પોણો ઇંચ પડી ગયો હતો. વરસાદના પગલે ગામની ગલીઓમાં પાણી ભરાઈ જતાં હાલાકી ઊભી થઇ હોવાનું સ્થાનિકના રાજેન્દ્રગિરિ ગુસાઈએ કહ્યું હતું. અત્યારે પણ જિલ્લાના અનેક સ્થળે પવન સાથે વરસાદ વરસી રહ્યાનું જાણવા મળી રહ્યું છે.


જામનગર જિલ્લાના વાતાવરણમાં પણ આજે પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના ધ્રોલ અને લાલપુર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ધ્રોલ પંથકના લતીપર, ફલ્લા, જાયવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો તો લાલપુરમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. કમોસમી વરસાદના કારણે ઉનાળુ વાવેતર કરનાર ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.


સિદ્ધપુરના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. સિદ્ધપુર શહેરમાં ભારે પવન બાદ ધીમી ધારે વરસાદ પાડવાનો શરૂ થયો હતો. આજુબાજુનાં ગામોમાં પણ કમોસમી વરસાદ પડ્યો. સિદ્ધપુર શહેરમાં પણ ભારે પવન ફૂંકાતાં ધૂળની ડમરીઓ ઊડી હતી. શહેરમાં પણ વરસાદી છાંટાં પડ્યાં છે અને ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પાટણ જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં અસહ્ય ઉકળાટ જોવા મળ્યો હતો.


હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. આ ઉપરાંત આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા અને વરસાદી છાંટાં વરસી શકે છે. ખાસ કરીને આગામી 24 કલાક માટે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદમાં વરસાદી છાંટાં વરસી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હીટવેવની પણ શક્યતા છે, એટલે કે, સૌરાષ્ટ્રવાસીઓ દિવસે હીટવેવમાં શેકાશે તો સાંજે વરસાદથી ભીંજાશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં તીવ્ર ઉષ્ણ લહેર અને સુરતમાં હીટવેવની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં બે દિવસ બાદ તાપમાન 43થી 44 ડિગ્રી સુધી પહોંચી જશે.