રિપોર્ટ@ગુજરાત: 16 ફેબ્રુઆરીએ 3 નગરપાલિકાની સામાન્ય અને 5 બેઠકોની પેટાચૂંટણી યોજાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાટણમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજવા જઈ રહી છે. 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની મહત્વપૂર્ણ ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. જેમાં 3 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી અને એક નગરપાલિકાની 2 બેઠકો તેમજ ત્રણ તાલુકા પંચાયતની ત્રણ બેઠકોની પેટા ચૂંટણીઓનો સમાવેશ થાય છે.
હારીજ નગરપાલિકાની 24 બેઠકો માટે 19 મતદાન મથકો પર 17,103 મતદારો, ચાણસ્મા નગરપાલિકાની 24 બેઠકો માટે 18 મતદાન મથકો પર 12,656 મતદારો અને રાધનપુર નગરપાલિકાની 28 બેઠકો માટે 41 મતદાન મથકો પર 37,111 મતદારો મતદાન કરશે. સિદ્ધપુર નગરપાલિકામાં વૉર્ડ નંબર 1 અને 7ની બે બેઠકોની પેટાચૂંટણી 10 મતદાન મથકો પર યોજાશે, જેમાં 11,540 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
તાલુકા પંચાયતોની પેટાચૂંટણીમાં હારીજની સાંકરા બેઠક માટે 4 મતદાન મથકો પર 4,097 મતદારો, સમીની કનીજ બેઠક માટે 5 મતદાન મથકો પર 4,664 મતદારો અને સિદ્ધપુરની સમોડા બેઠક માટે 6 મતદાન મથકો પર 663 મતદારો નોંધાયેલા છે.
ચૂંટણી કાર્યક્રમ અનુસાર, 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 1લી ફેબ્રુઆરી સુધી ઉમેદવારી નોંધણીની પ્રક્રિયા ચાલશે. રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જ્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ આયોજન અને વ્યવસ્થાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
2018ની ચૂંટણીમાં હારીજ અને ચાણસ્મા નગરપાલિકામાં ભાજપે સત્તા મેળવી હતી, જ્યારે રાધનપુરમાં કોંગ્રેસે બાજી મારી હતી. આ વખતે ભાજપ માટે ત્રણેય પાલિકાઓમાં સત્તા મેળવવાનું દબાણ છે, તો કોંગ્રેસ પણ ત્રણેય પાલિકાઓ જીતવા મરણિયા પ્રયાસ કરશે.
ભાજપ 31 જાન્યુઆરી પહેલાં તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. ઉમેદવારોની પસંદગી માટે પક્ષ દ્વારા ઉચ્ચ કક્ષાએથી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે બંને પક્ષો નો-રિપીટ થીયરી અપનાવે તો બળવાની શક્યતા રહેલી છે.
શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે. દરેક વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ચોકઠાં ગોઠવવાની કવાયત શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે, જે સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો રચી શકે છે.