રિપોર્ટ@ગુજરાત: સરકારે પ્રી-સ્કૂલ સંચાલકોની 3 માગ સ્વીકારી, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સરકારે પ્રી-સ્કૂલ સંચાલકોની 3 માગ સ્વીકારી લીધી છે. પ્રિ-સ્કૂલ સંચાલકો અને શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે મળેલી બેઠકમાં મહત્વની ત્રણ માગણીઓનો મૌખિક સ્વીકાર કરવામાં આવ્યો. નિયમોમાં ફેરફાર કરી સરકાર ટૂંક સમયમાં નવા નિયમોની જાહેરાત કરશે.
રાજ્યમાં ચાલતી હજારો પ્રી-સ્કૂલ માટે સરકારે કડક નિયમોની અમલવારી કરતાં જ પ્રી-સ્કૂલ સંચાલકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને રાજ્યવ્યાપી આંદોલન છેડાયું હતું. પ્રી-સ્કૂલ સંચાલકોની અનેક રજૂઆતો બાદ પણ સરકાર દ્વારા કોઈ ફેરફાર ન કરાતાં સંચાલકોએ ફરીવાર ગાંધીનગરમાં સચિવાલય પહોંચી રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જોકે ગઈકાલે (1 જાન્યુઆરી) પ્રી-સ્કૂલ સંચાલકો અને શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે મળેલી બેઠકમાં મહત્ત્વની ત્રણ માગણીનો મૌખિક સ્વીકાર કરવામાં આવ્યો છે. ફેરફાર કરાયેલા નિયમોની ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત કરાશે.
પ્રી-પ્રાઇમરી શાળાના સંચાલકો પાછલા કેટલાક સમયથી રાજ્યભરમાં વિરોધ નોંધાવી આંદોલન કરી રહ્યા હતા. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પ્રી-પ્રાઇમરી શાળા ચલાવતા સંચાલકો માટે કેટલાક નવા નીતિ-નિયમો જાહેર કર્યા હતા, જેમાં ફરજિયાત 15 વર્ષનો રજિસ્ટર્ડ ભાડાકરાર, એજ્યુકેશન બીયુ પરમિશન, દર વર્ષે વર્ગદીઠ 5 હજાર રજિસ્ટ્રેશન ફી, ટ્રસ્ટ કે સંસ્થાનું રજિસ્ટેશન કરાવવું સહિતના નિયમો લાવવામાં આવ્યા હતા.