રિપોર્ટ@ગુજરાત: ગુજરાતને મળશે 2 નવા મહેમાન! 3 મહિનામાં બન્નીમાં ચિત્તા, પંચમહાલમાં વાઘણ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતના જંગલો માટે આજે સૌથી મોટા અને ખુશીના સમાચાર આવ્યા છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી *અર્જુન મોઢવાડિયા*એ મોટી જાહેરાત કરી છે. આગામી *3 મહિનામાં* ગુજરાતમાં બે નવા મહેમાન આવવાના છે. એક કચ્છના બન્નીમાં આવશે અને બીજો પંચમહાલના રતનમહાલમાં આવશે. મંત્રીએ કહ્યું, *"તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે, હવે માત્ર દિવસોની રાહ છે."*
*1. કચ્છના બન્નીમાં આવશે કેન્યાનો ચિત્તા પરિવાર*
કચ્છના બન્ની ઘાસના મેદાનમાં ભારતનું પહેલું *ચિત્તા કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર* તૈયાર થઈ ગયું છે. અહીં આફ્રિકાના કેન્યા દેશથી ચિત્તાનો આખો પરિવાર લાવવામાં આવશે. જેમાં *1 નર ચિત્તા, 1 માદા ચિત્તા અને 2 બચ્ચા* હશે.
મધ્યપ્રદેશના કુનો પછી ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે જ્યાં ચિત્તા જોવા મળશે. પણ ખાસ વાત એ છે કે, કુનોમાં નામિબિયા અને સાઉથ આફ્રિકાથી ચિત્તા આવ્યા હતા, જ્યારે ગુજરાતમાં *કેન્યાથી* આવશે. એટલે નવી જાતિનો ચિત્તો જોવા મળશે.
બન્નીમાં 500 હેક્ટરમાં વિશાળ એન્ક્લોઝર બનાવ્યું છે, જે બિલકુલ કેન્યાના ખુલ્લા સવાના જેવું છે. પહેલા ચિત્તા ભુજ એરપોર્ટ આવશે, 1 મહિનો ક્વોરન્ટાઈનમાં રહેશે, તબિયત સારી હશે પછી જ બન્નીમાં છોડવામાં આવશે. NTCA ની ટીમે પણ બન્નીની મુલાકાત લઈને મંજૂરી આપી દીધી છે.
*2. પંચમહાલના રતનમહાલમાં આવશે 2 વાઘણ*
પંચમહાલના રતનમહાલ જંગલમાં દોઢ વર્ષ પહેલા એક વાઘ આવ્યો હતો. ત્યારથી તે એકલો જ છે. તેને સાથી મળે અને વાઘનો પરિવાર વધે એ માટે હવે મધ્યપ્રદેશથી *2 વાઘણ* લાવવામાં આવશે.
વન વિભાગે ત્યાં પાણી, શિકાર અને સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરી દીધી છે. કેમેરા ટ્રેપ વધારી દેવાયા છે. રતનમહાલને ટાઈગર રિઝર્વ બનાવવાના પણ પ્રયત્નો ચાલી રહ્યા છે.
*ગુજરાત બનશે દેશનું એકમાત્ર રાજ્ય!*
ગુજરાતમાં અત્યારે એશિયાટિક સિંહ અને દીપડા છે જ. હવે ચિત્તા અને વાઘ આવ્યા પછી ગુજરાત ભારતનું *એકમાત્ર એવું રાજ્ય* બનશે જ્યાં સિંહ, વાઘ, દીપડો અને ચિત્તા - ચારેય Big Cat એક સાથે હશે. આ ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ હશે.

