રિપોર્ટ@ગુજરાત: 31 ઓગસ્ટ સુધી ગુરુજી રેલવે ઓવરબ્રિજ બંધ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ- મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પુરજોશથી ચાલી રહી છે. બુલેટ ટ્રેનના કોરિડોરનું બાંધકામ સાબરમતીથી વટવા સુધીનું પાયલોટિંગનું કામ તથા સેગમેન્ટ લગાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત મણિનગર અને હાટકેશ્વર વિસ્તારને જોડતા ગુરુજી રેલવે ઓવરબ્રિજ પર પિલરો લગાવવામાં આવવાના હોવાથી 22 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી ગુરુજી ઓવરબ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
જોકે હજી સુધી ઓવરબ્રિજ બંધ કરવામાં આવ્યો નથી. બુલેટ ટ્રેનની કામગીરી બ્રિજના ઉપરથી શરૂ તો કરી દેવામાં આવી છે અને લોડર મશીન પણ બ્રિજની વચ્ચે લાવી દેવામાં આવ્યું છે, પરંતુ વાહનવ્યવહાર માટે બ્રિજ બંધ કરાયો નથી. આ બ્રિજ બંધ થતાં 50 હજારથી વધુ વાહનચાલકોને હાલાકી ભોગવવી પડશે. તો ટ્રાફિક-પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગો પણ જાહેર કરી દેવાયા છે.