રિપોર્ટ@ગુજરાત: ભારે વરસાદથી નવસારી-સુરત ડૂબ્યાં, 4 મોત, જાણો તમારા શહેરનું વાતાવરણ કેવું રહેશે ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમા ચોમાસાની ઋતુ ચાલી રહી છે.દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સવારના 6થી બપોરના 2 વાગ્યા સુધીમાં 182 તાલુકામાં સૌથી વધુ વરસાદ સુરતના ઉપરપાડામાં 13 ઇંચ નોંધાયો છે. તો નવસારીના ખેરગામમાં 11 ઇંચ, વલસાડના પારડીમાં 11, વલસાડના ઉમરગામમાં 10, ભરૂચના નેત્રગમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. નવસારીમાં ભારે વરસાદથી પૂર્ણા નદી ગાંડીતૂર બનતા પૂરને લઈને શહેરનો 30 ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. વાંસદામાં બાઈક તણાતાં 2ના મોત થયાં છે. વલસાડના ઉમરગામમાં છેલ્લા 24 કલાલમાં 36 ઈંચથી વધુ વરસાદથી લોકોને છત પર રહેવાની ફરજ પડી છે.
હાલ દક્ષિણ ગુજરાતમાં NDRF અને SDRFની ટીમો તૈનાત છે. સુરત જિલ્લામાં 3 NDRF અને 5 SDRF, જ્યારે વલસાડ જિલ્લામાં 3 NDRF અને 1 SDRF ટીમ કાર્યરત છે. અત્યાર સુધીમાં વલસાડમાં આશરે 1200 લોકોનું રેસ્ક્યૂ, જ્યારે સુરત શહેરમાં 1500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને બે લોકોના ડૂબી જતાં મોત નીપજ્યાં છે. નવસારીમાં કાવેરી નદીના કાંઠે 11 ગામમાંથી આશરે 200 લોકોને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો ઉમરગામ તાલુકામાં છેલ્લા 28 કલાકમાં આશરે 43 ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના અમરેલી, જુનાગઢ અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં પણ બચાવ ટુકડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
23 અને 24 જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં આજે 11 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જારી કરાયું છે. તો અમદાવાદ-ગાંધીનગર સહિત આઠ જિલ્લામાં ભારેથી અતિભારેની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો ગીર સોમનાથ સહિત સાત જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ અપાયું છે.

