રિપોર્ટ@ગુજરાત: નવરાત્રિનાં પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે, જાણો કેવી રીતે કરવી ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માર્કેન્ડેય પુરાણ મુજબ દેવીનું આ નામ હિમાલયને ત્યાં જન્મ લેવાથી પડ્યું. હિમાલય આપણી શક્તિ, દૃઢતા, આધાર તથા સ્થિરતાનો પ્રતીક છે. માતા શૈલપુત્રીને અખંડ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે યોગી પોતાની શક્તિ મૂળાધારમાં સ્થિત કરે છે તથા યોગ સાધના કરે છે.
આપણાં જીવન પ્રબંધનમાં દૃઢતા, સ્થિરતા તથા આધારનું મહત્વ સર્વપ્રથમ છે. એટલે આ દિવસે આપણે આપણા જીવનમાં સ્થાયિત્વ તથા શક્તિમાન બનવા માટે માતા શૈલપુત્રી પાસે પ્રાર્થના કરવી જોઈએ. શૈલપુત્રીની આરાધના કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે. હિમાલયની પુત્રી હોવાને લીધે આ દેવી પ્રકૃતિનું સ્વરૂપ પણ છે. મહિલાઓ માટે તેમની પૂજા કરવી જ શ્રેષ્ઠ અને મંગળકારી છે.
માતા શૈલપુત્રીની આરાધના માટે ભક્તોએ નીચે પ્રમાણેના મંત્રનો જાપ કરવો જોઈએ જેથી તેઓ માતાના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે.
આ મંત્ર જાપ સાચા ઉચ્ચારણથી કરવો જોઈએ અથવા તો બ્રાહ્મણને નિમંત્રણ આપી દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપની મહાપૂજા કરી ચંડીપાઠ કરાવવો અને ભક્તોએ મંત્ર ન કરી શકે તો નવાર્ણ મંત્રની નવ માળા કરવી. આ સિવાય 'ॐ ऐं ह्रीं क्लीं शैलपुत्र्यै नम:।' બીજમંત્રનો જાપ કરવાથી પણ ધારેલી મનોકામનાઓ પૂર્ણ થાય છે.