રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ભાવનગર-સુરેન્દ્રનગર 37°C સાથે સૌથી ગરમ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બે સિસ્ટમ સક્રિય થઈ. આગામી 7 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી.ભાવનગર-સુરેન્દ્રનગર 37°C સાથે સૌથી ગરમ.ભારે પવનની સંભાવનાથી માછીમારો માટે એલર્ટ કરાયા 

છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહ્યું છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. તાપમાનની વાત કરીએ તો ભાવનગર અને સુરેન્દ્રનગર 37°C સાથે રાજ્યમાં સૌથી ગરમ રહ્યાં છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં સક્રિય મોનસૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી સાત દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ત્રણ દિવસ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની સંભાવનાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

આજે માત્ર ભરૂચમાં 1 મિમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની 12 જુલાઈની સેટેલાઇટ તસવીરમાં ગુજરાત પરથી વાદળો ગાયબ દેખાયા છે, જેથી આવનારા સમયમાં ભારે વરસાદની સંભાવના નહિવત્ જોવા મળી રહી છે.

ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે 25થી 30 નોટ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 20થી 25 નોટની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ખરાબ હવામાન અને તેજ પવનને ધ્યાનમાં રાખીને ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન પવનની ઝડપ 40થી 55 કિમી/કલાક અને વધીને 65 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. અમદાવાદમાં આગામી બેથી ત્રણ દિવસ વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેશે અને ત્યારબાદ વરસાદી પ્રવૃત્તિઓમાં થોડો વધારો જોવા મળી શકે છે.

ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી ગુજરાત રિજીયનમાં સામાન્ય કરતાં 13% અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 28% ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં સરેરાશ 20% વરસાદની ઘટ જોવા મળી છે. જો કે, માત્ર જુલાઈ મહિનાની વાત કરીએ તો, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય કરતાં 76% અને ગુજરાત રિજીયનમાં 63% વધુ વરસાદ થયો છે, જે સમગ્ર રાજ્ય માટે જુલાઈમાં 67% વધુ વરસાદ દર્શાવે છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ જુલાઈ દરમિયાન સામાન્ય કરતાં 155% વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશના 70% ભાગમાંથી ચોમાસાના વાદળો ગાયબ થવા પાછળનું સૌથી મોટું કારણ ચોમાસાને સક્રિય રાખતી સિસ્ટમનું નબળું પડવું છે. 9 જુલાઈ પછી બંગાળની ખાડીમાં કોઈ નવી મજબૂત લો-પ્રેશર સિસ્ટમ નથી બની, જેના કારણે ચોમાસાના પવનોને પૂરતો ભેજ મળી શક્યો નથી.

આ સાથે જ ચોમાસાની ટ્રફ પણ પોતાની સામાન્ય સ્થિતિથી ઉત્તર તરફ સરકી ગઈ છે. આ કારણે મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ ભારતના મોટા ભાગોમાં વાદળો અને વરસાદની ગતિવિધિઓ ઘણી ઓછી થઈ ગઈ છે. હાલમાં વરસાદ મુખ્યત્વે ઉત્તર ભારત, પૂર્વીય રાજ્યો અને ઉત્તર-પૂર્વ સુધી સીમિત છે. IMDનું અનુમાન છે કે આગામી થોડા દિવસો સુધી દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું ફરીથી સંપૂર્ણ રીતે સક્રિય થવાની સંભાવના ઓછી છે.