રિપોર્ટ@ગુજરાત: LRDનું પેપર મધ્યમ નીકળ્યું, મેરિટ કેટલે સુધી જશે ?

બંધારણને લગતા પ્રશ્નો વધારે પ્રમાણમાં પૂછવામાં આવ્યા હતા.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટે પરીક્ષા યોજાઈ હતી. આજે, 14 જૂનને રવિવારના રોજ રાજ્યભરમાં લેખિત પરીક્ષા અત્યંત ઉત્સાહપૂર્ણ અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. અગાઉ યોજાયેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા કુલ 2,63,345 ઉમેદવારો આ મેગા લેખિત પરીક્ષા માટે ક્વોલિફાય થયા હતા, જેઓએ આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના મુખ્ય શહેરોની 849 જેટલી શાળા-કોલેજોમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. સવારે 9.30 થી બપોરે 12.30 વાગ્યા દરમિયાન યોજાયેલી આ 200 ગુણની MCQ  આધારિત પરીક્ષા પૂર્ણ થયા બાદ બહાર આવેલા ઉમેદવારોના જણાવ્યા અનુસાર પેપર ઘણું સરળ રહ્યું હતું અને તેમાં ખાસ કરીને બંધારણને લગતા પ્રશ્નો વધારે પ્રમાણમાં પૂછવામાં આવ્યા હતા.

ભરતી બોર્ડ દ્વારા પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ડમી ઉમેદવારોના દૂષણને રોકવા માટે લોખંડી પોલીસ બંદોબસ્તની સાથે પ્રથમ વખત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ફેસિયલ રેકોગ્નિશન અને બાયોમેટ્રિક વેરિફિકેશન જેવી અત્યાધુનિક ડિજિટલ સિક્યોરિટી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સરકારી પરીક્ષાની તૈયારી કરાવતા મહેશભાઈ સહિત અન્ય એક્સપર્ટએ જણાવ્યું હતું કે, LRDનું પેપર સરળ પુછાયુ હતું. જે ઉમેદવારોએ ગોખ્યા વગર સમજણ પૂર્વક બીટવીન ધ લાઇન્સ અભ્યાસ કર્યો હશે તેવા ઉમેદવારોને પેપર સરળ લાગ્યું હશે. મોડરેટ પેપર પૂછાયું હોવાથી મેરીટ પણ તે રીતનું રહેવાની શક્યતા જોવા મળી રહી છે. ગયા વર્ષે પેપર અઘરું પૂછાયું હોવા છતાં મેરિટ ખૂબ ઊંચું રહ્યું હતું. જેથી આ વર્ષે જનરલ કેટેગરીનું મેરિટ 125થી 130 સુધી રહેવાની શક્યતા છે એટલે કે મેરિટ ઊંચું જઈ શકે છે.