રિપોર્ટ@ગુજરાત: માઇક્રોસોફ્ટ કંપનીનું સર્વર ઠપ થતાં ગુજરાતથી અવર જવર કરતી કુલ 13 ફ્લાઇટ રદ

ગુજરાતથી અવર જવર કરતી કુલ 13 ફ્લાઇટ રદ

 
રિપોર્ટ@ગુજરાત: માઇક્રોસોફ્ટ કંપનીનું સર્વર ઠપ થતાં ગુજરાતથી અવર જવર કરતી કુલ 13 ફ્લાઇટ રદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હવાઈ મુસાફરી કરી રહેલા લોકોને કેટલીક વાર ફ્લાઈટ રદ થતા તકલીફ પડતી હોય છે. ફરી એક વાર આવી ઘટના બની છે. જેના કારણે મુસાફરો પરેશાન થયા છે. દુનિયાભરમાં માઇક્રોસોફ્ટ કંપનીનું સર્વર ઠપ થતાં એરલાઈન્સની કામગીરીને અસર જોવા મળી રહી છે. એના કારણે એરલાઈન્સનું બુકિંગ તેમજ ચેક-ઇનમાં પણ વિલંબ થતાં વિવિધ એરલાઇન્સ દ્વારા પોતાના મુસાફરો માટે અડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા પણ મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેથી કોઈ મુસાફરો પરેશાન ન થાય. માઇક્રોસોફ્ટને કારણે સૌથી વધુ દેશનાં મુખ્ય એરપોર્ટ એટલે કે દિલ્હી અને મુંબઇથી ટેક ઓફ થતી ફ્લાઇટ અને ત્યાં લેન્ડિંગ કરતી ફ્લાઈટને અસર થઈ રહી છે તથા એના કારણે અમદાવાદ એરપોર્ટને પણ માઇક્રોસોફ્ટના ટેક્નિકલ ખામીની અસર થઈ છે. જેના કારણે અમદાવાદ એરપોર્ટ ઉપર અવરજવર કરતી ઇન્ડિગો એરલાઇન્સની 9થી વધુ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. હૈદરાબાદ, મુંબઈ, બેંગલુરુ, પટના, ગોવા, ચંદીગઢની ફ્લાઇટને અસર જોવા મળી રહી છે. આ ઉપરાંત વડોદરા અને રાજકોટથી પણ અવર જવર કરતી 4 ફ્લાઈટ રદ થઈ છે. આમ ગુજરાતથી અવર જવર કરતી 13 ફ્લાઈટ રદ થઈ છે.

મુંબઇથી વડોદરા રાત્રે 8.30 વાગ્યે આવતી-જતી ઇન્ડિગોની ફ્લાઈટ કેન્સલ કરાઈ છે. જ્યારે 8.35 વાગ્યે આવતી અને જતી દિલ્હીની ફ્લાઈટ પણ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત સુરતમાંથી પણ 8.50 વાગ્યાની ઇન્ડિગોની દિલ્હીથી આવતી અને જતી ફ્લાઈટ રદ કરાઈ છે.


માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામી હોવાથી મુસાફરો પરેશાન થયા છે. અનેક મુસાફરોને ટિકિટ બુક થતા નથી. ત્યારે અમદાવાદથી દિલ્હી જઈ રહેલા ઇન્ડિગો એરલાઇન્સના મુસાફરો પરેશાન થયા છે. તેમને તાત્કાલિકપણે દિલ્હી જવાનું હોવાથી એટલે એરપોર્ટ પહોંચ્યા છે, પરંતુ અહીંથી ફ્લાઇટ બુકિંગ થતી નથી.


અમદાવાદથી ભુવનેશ્વર ફ્લાઇટ રદ થતાં મુસાફર બિશ્વરાંજન આચાર્યએ જણાવ્યું હતું કે, હું રાજકોટથી ઓડિશા PHD ડિફેન્સની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. જેને લઇને આજે હું સવારે 7 વાગ્યાની ફ્લાઈટથી અમદાવાદ આવ્યો. મારે ડિફેન્સની એક્ઝામ આપવા જવાનું હોવાથી હું આજે ફલાઇટથી અહીં આવ્યો છે. અહીં આવ્યા પછી ખબર પડી કે ફ્લાઈટ કેન્સલ થઈ છે. અને આ લોકો કહે છે કાલે આવો. એક ચોક્કસ સમય નથી કહી રહ્યા માત્ર એટલું કહે છે કે કાલે આવજો. કાલે મારી એક્ઝામ છે એટલા માટે હું ફ્લાઈટમાં આવ્યો નહીંતર હું ટ્રેનમાં જઈ શકતો હતો. ટ્રેનમાં સ્લીપરમાં 700 રૂપિયામાં જઈ શકતો હતો અહીં હું 11000 ખર્ચીને આવ્યો છું ત્યારે કાલે પરીક્ષા આપવા નહીં જઈ શકું.


ફ્લાઈટ કેન્સલ થઈ છે, પરંતુ મુસાફરોને એ માટે કોઈ અપડેટ આપવા મેસેજ જતા નથી, તેથી મુસાફરો એરપોર્ટ પહોંચી રહ્યા છે અને ફ્લાઈટ રદ થતાં પરેશાન થઈ રહ્યા છે. ત્યારે ભરત સોની નામના રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના વતની અમદાવાદથી ભુવનેશ્વર જઈ રહ્યા હતા, પરંતુ તેમની ફ્લાઈટ રદ થઈ છે.


અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દિવસ દરમિયાન લગભગ 200થી 250 ફ્લાઈટની અવરજવર રહે છે. ત્યારે આજે માઇક્રોસોફ્ટમાં ટેક્નિકલ ખામીને કારણે ફ્લાઈટને ટેક ઓફ ભરવામાં અથવા લેન્ડિંગ કરવામાં વિલંબ થઈ શકે છે. એમાં પણ ખાસ કરીને પેસેન્જર માટે ચેક-ઇનમાં વિલંબ થઈ શકે છે, જેથી અમદાવાદ એરપોર્ટ દ્વારા મેન્યુઅલ ચેક-ઇનની શરૂઆત કરવામાં આવી છે, જેથી મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં વિલંબ ના થાય અને એરપોર્ટ ઉપર મુસાફરોનો જમાવડો ન થયા એ માટે ઝડપથી પગલાં લેવામાં આવ્યાં છે. આ માટે ઇન્ડિગો એરલાઈન્સ, અકાસા એરલાઈન્સ, વિસ્તારા એરલાઇન્સ તરફથી પોતાના મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ફક્ત અમદાવાદની એરલાઇન્સ દ્વારા જ નહીં, પરંતુ દેશના વિવિધ મુખ્ય એરપોર્ટ દ્વારા પણ એડવાઈઝરી જાહેર કરીને મુસાફરોને માહિતગાર કરવામાં આવ્યા છે.


અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફથી પણ પોતાના મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. એમાં મુસાફરોને જણાવવામાં આવ્યું છે કે વૈશ્વિક ITમાં ટેક્નિકલ ક્ષતિને કારણે કામગીરીને અસર થઈ છે. દેશભરમાં ફ્લાઈટ્સ પર અસર પડી છે. આ સમય દરમિયાન બુકિંગ, ચેક ઇન, બોર્ડિંગ પાસ અને ફ્લાઈટના એક્સેસને અસર થવાની શક્યતા છે. અમદાવાદ એરપોર્ટ કામગીરીનું સંચાલન કરવા અને વિલંબ ઘટાડવા માટે એરલાઈન્સ સાથે સહયોગ કરી રહ્યા છે. કૃપા કરીને માહિતી માટે તમારી સંબંધિત એરલાઈન્સનો સંપર્ક કરો. ધૈર્ય રાખવા બદલ આભાર.


ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે મુંબઈમાં અત્યંત ભારે વરસાદને કારણે ફ્લાઇટ ઓપરેશનને અસર થઈ હતી. એને કારણે મુંબઈથી ટેક ઓફ કરતી અને મુંબઈ લેન્ડિંગ કરતી ફ્લાઈટ વિલંબિત થઈ હતી. ત્યારે અમદાવાદથી પણ મુંબઈ જતી કેટલીક ફ્લાઈટને વાતાવરણની અસર થઈ હતી. જ્યારે આજે માઇક્રોસોફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાતાં ફ્લાઇટ વિલંબિત થવાની શક્યતા છે. મહત્ત્વ છે કે મુંબઈ અને દિલ્હી એરપોર્ટથી દેશભરમાં સૌથી વધુ ફ્લાઈટ ઉડાન ભરે છે. ત્યારે ટેક્નિકલ ક્ષતિને કારણે ફ્લાઈટમાં મુસાફરોનું ચેક-ઇન અને બોર્ડિંગ વિલંબિત થઈ શકે છે, તેથી ફ્લાઇટ ઉડાન ભરવામાં વિંબલ થઈ શકે છે.


માઈક્રોસોફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાતાં મુસાફરોને હેન્ડ-રિટન બોર્ડિંગ પાસ આપવામાં આવી રહ્યો છે, ત્યારે હૈદરાબાદ એરપોર્ટ પર આ પ્રકારની ઘટના બનતાં એક મુસાફરે ટ્વિટર પર હેન્ડ-રિટન બોર્ડિંગ પાસનો ફોટો અપલોડ કરીને જણાવ્યું હતું કે જીવનમાં પહેલી વખત હવાઈ મુસાફરી માટે હેન્ડ-રિટન બોર્ડિંગ પાસ મેળવ્યો છે.