રિપોર્ટ@ગુજરાત: ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી ફી વધારો પરત ખેંચવાની માંગ કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ભળવાની ફી ખુબજ વધારે થઇ ગઈ છે. જેના કારણે વિધાર્થીઓ અભ્યાસ કરવામાં મુશ્કેલીઓ પડે છે. સુરતના વરાછા રોડ વિધાનસભા બેઠકથી ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી ભાજપની સરકાર સામે ફરી એકવાર બાંયો ચડાવી છે. આ વખતે ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી MBBSના અભ્યાસ માટે ફી વધારો પરત ખેંચવાની માંગ કરી છે.
ધારાસભ્ય કુમાર કાનાણી વખતોવખત પત્ર લખી લોકોના પ્રશ્નોને સત્તા પક્ષ સામે ઉજાગર કરતા હોય છે. જરૂર જણાય તો જે તે વિભાગના અધિકારીઓને પણ પત્ર લખી લોકોને પડતી અગવડતાઓ જણાવતા હોય છે. કુમાર કાનાણી વધુમાં જણાવ્યું છે કે, આ ફી વધારાના કારણે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને કરવો પડે તેમ છે.
આ ફી વધારો જો આમ જ લાગુ રહેશે તો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને નાછૂટકે મેડિકલ અભ્યાસ છોડવાની પરિસ્થિતિઓ ઉભી થશે. જેથી તેમના ભવિષ્ય પર સવાલો ઊભા થશે. આ મામલે તાત્કાલિક વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવો જોઈએ.