રીપોર્ટ@ગુજરાત: સોમનાથ મંદિર પર 1100થી વધુ સુવર્ણકળશનું સ્થાપન કરવામાં આવ્યું

 સુવર્ણ કળશ શિખર પર ચડાવવાના બાકી છે
 
રીપોર્ટ@ગુજરાત: સોમનાથ મંદિર પર 1100થી વધુ સુવર્ણકળશનું સ્થાપન કરવામાં આવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોમનાથ મંદિરનું શિખર સુવર્ણ કળશથી ઝળહળી ઉઠ્યું છે. શિખર પરના 1100થી વધુ સુવર્ણ કળશ ચડી ગયા છે. ત્યારે આગામી દિવસોમાં બાકી સુવર્ણ કળશ પણ ચડી જશે. ઉલ્લેખનીય છે કે, આ દૃશ્ય પછી નજીકના ભવિષ્યમાં સોમનાથનો સુવર્ણયુગ પાછો ફરશે તેવું કહેવામાં સ્હેજેય શંકાને સ્થાન નથી. દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિરને સુવર્ણ જડિત કરવાનું કામ ચાલી રહ્યું છે. પ્રથમ 130 કિલો સોનામાંથી સોમનાથ મહાદેવનું ગર્ભગૃહ, ત્રિશૂલ, દરવાજા અને પિલ્લરને સુવર્ણજડિત કરાયા બાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1500 જેટલા મંદિર પરનાં કળશને સુવર્ણ જડિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રીપોર્ટ@ગુજરાત: સોમનાથ મંદિર પર 1100થી વધુ સુવર્ણકળશનું સ્થાપન કરવામાં આવ્યું

શ્રદ્ધાળુઓને દાન આપવા સોમનાથ ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી હતી. જેને ભાવિકોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. શ્રદ્ધાળુઓ દ્વારા ત્રણ વર્ષમાં 1500 સુવર્ણ કળશનું દાન આવી ચૂક્યું છે. તેમાંથી 1100થી વધુ કળશ મંદિરના શિખર ઉપર ચડી ગયા છે. બાકી રહેતા કળશના દાતાઓને સોમનાથ ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, 'સૌ દાતાઓ આવી અને કળશની પૂજા કરાવી જાય'. કોવિડ દરમિયાન પણ દાતાઓએ સોમનાથનું શિખર સુવર્ણજડિત કરવા સોનાનું દાન આપ્યું હતું. ત્યારબાદ પણ શ્રદ્ધાળુઓએ દિલ ખોલીને દાન આપ્યું હતું અને 1500 સુવર્ણ કળશ વડે સોમનાથનું શિખર સોને મઢાઈ રહ્યું છે.

હાલની પરિસ્થિતિએ જેટલા પણ સુવર્ણ કળશ શિખર પર ચડાવવાના બાકી છે તે કળશની પૂજા માટે કળશ નોંધાવનાર યજમાનને રૂબરૂ પધારવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિનંતી કરવામાં આવી છે. જે યજમાન રૂબરૂ ન પહોંચી શકે તેમ ન હોય તો ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઇન પૂજા કરાવવાની વ્યવસ્થા પણ ગોઠવી છે. કોવિડ દરમિયાન પણ સુવર્ણ કળશની ઓનલાઇન વીડિયો કોલિંગથી પૂજા કરવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. ત્યારે આજ દિવસ સુધીમાં કુલ 1100 જેટલા યજમાનોએ કળશ પૂજાનો લાભ લીધો છે.

આ કળશ મંદિર પર પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે. સોમનાથ મંદિર પર લગાવાઈ રહેલા કળશ ત્રણ પ્રકારનાં છે. જેને સુવર્ણ જડિત કરવાની અલગ અલગ કિંમતની સાઈઝ પ્રમાણે છે. નાનો કળશ 1 લાખ 11 હજાર, મધ્યમ કળશ 1 લાખ 21 હજાર અને સૌથી મોટા કળશની કિંમત 1 લાખ 51 હજાર છે.

આગામી સમયમાં સોમનાથનો સુવર્ણ યુગ ફરી આવશે તે વાત નક્કી છે. જ્યારે સોમનાથ ટ્રસ્ટે શ્રદ્ધાળુઓને સુવર્ણ દાનની અપીલ કરી છે ત્યારે ત્યારે શિવ ભક્તોએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે.