રિપોર્ટ@ગુજરાત: માનવજાતિ માટે હાનિકારક ગણાતા કોનોકાર્પસને મૂળમાંથી કાઢવા પાલિકાએ કાર્યવાહી શરૂ કરી

કોનોકાર્પસ કાઢી તેની જગ્યાએ બોગનવેલને ઉછેરાશે
 
 રિપોર્ટ@ગુજરાત: માનવજાતિ માટે હાનિકારક ગણાતા કોનોકાર્પસને મૂળમાંથી કાઢવા પાલિકાએ કાર્યવાહી શરૂ કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. શહેરને હરિયાળું બનાવવા 2017માં કોનોકોર્પસના છોડ લગાવાયા હતા, જે હવે પાલિકાના માથાનો દુખાવો બન્યો છે. માનવજાતિ માટે હાનિકારક ગણાતા અને જમીનમાં ઊંડે ઊતરેલા કોનોકાર્પસને મૂળમાંથી કાઢવા પાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે. હરણી રોડ સંગમ ચાર રસ્તાથી એરપોર્ટ સર્કલ સુધીના રોડને સ્માર્ટ રોડ બનાવવાનો હોવાથી 100 વૃક્ષોને મૂળમાંથી કાઢવા કાર્યવાહી શરૂ કરાઈ છે.

હરણી સંગમ ચાર રસ્તાથી એરપોર્ટ થઈ મોટીભાઈ સર્કલ સુધીના 2 કિમીના રોડને સ્માર્ટ રોડ તરીકે વિકસાવાશે. રૂા. 5.50 કરોડના ખર્ચે સ્માર્ટ રોડ પર સેન્ટ્રલ ડિવાઈડર, કેરેજ વે અને ફૂટપાથ બનાવવામાં આવશે. ત્યારે સંગમ ચાર રસ્તાથી એરપોર્ટ સર્કલ સુધીના રોડ પર અંદાજિત 700 મીટરના રોડ પર ડિવાઈડરના પથ્થર હટાવી, સેન્ટ્રલ ડિવાઈડર, ટ્રાફિક સાઈનેજ બનાવવામાં આવી રહ્યું છે. જેના પર ઉછેરાયેલા 100 જેટલા કોનોકાર્પસ વૃક્ષોને મૂળમાંથી કાઢવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. કોનોકાર્પસની જગ્યાએ પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગ બોગન વેલનું વાવેતર કરશે.

સંગમ ચાર રસ્તાથી એરપોર્ટ સર્કલ થઈ મોતીભાઈ સર્કલ સુધી રૂા. 5.50 કરોડના ખર્ચે સ્માર્ટ રોડ બનાવવામાં આવશે. જેમાં પાર્કિંગ માટે કેરેજ વે અને ચાલવા માટે ફૂટપાથ બનશે. વડોદરામાં એરપોર્ટથી પ્રવેશતા લોકો માટે સિટી આકર્ષણનું કેન્દ્ર બને તે માટે સેન્ટ્રલ ડિવાઈડર પરથી કોનોકાર્પસ કાઢી તેની જગ્યાએ બોગનવેલને ઉછેરાશે. જેને છત્રીના આકારમાં કટિંગ કરાશે. 2017 માં શહેરને હરિયાળું બનાવવા માટે મિશન મિલિયન ટ્રીઝ અંતર્ગત 27 હજાર જેટલા કોનોકાર્પસ છોડ રોપવામાં આવ્યા હતા. જે પાલિકાના માથાનો દુખાવો બન્યા છે. કારણ કે તંત્રનું માનવું છે કે ઊંડે સુધી મૂળ ધરાવતા કોનોકાર્પસને મૂળથી કઢાશે તો ડિવાઈડર અને રોડ તથા જમીન બેસી જશે અને ત્યારબાદ રિસ્ટોરેશનનો ખર્ચ વધુ થશે.