રિપોર્ટ@ગુજરાત: 24 કલાકમાં નર્મદામાં 3.35 ઈંચ વરસાદ નોંધાયો, જાણો તમારા શહેરનું વાતાવરણ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
24 કલાકમાં નર્મદામાં 3.35 ઈંચ વરસાદ નોંધાયો. વીજળી પડતાં ભેંસનું મોત. ડેડિયાપાડા-સાગબારાની નદીમાં ઘોડાપૂર; 48 કલાક બાદ રાજ્યમાં ધમાકેદાર મેઘમંડાણની સંભાવના.ગુજરાતમાં સત્તાવાર ચોમાસાનું આગમન થઈ શુક્યું ગયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 16 તાલુકામાં મેઘમહેર થઈ છે, જેમાં સૌથી વધુ નર્મદાના સાગબારામાં 3.35 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો સૌથી ઓછો વરસાદ તાપીના કુકરમુંડામાં 1 મિમી નોંધાયો છે. હાલમાં દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વધુ આગળ વધીને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં પ્રવેશી ચૂક્યું છે. ચોમાસાની ઉત્તરીય સીમા હાલમાં સુરત અને ઇન્દોર પરથી પસાર થઈ રહી છે. આગામી 2થી 3 દિવસમાં ચોમાસું ગુજરાતના વધુ ભાગોમાં આગળ વધે તે માટે પરિસ્થિતિ ખૂબ જ સાનુકૂળ બની રહી છે.
નર્મદા જિલ્લાના સાગબારા, સેલંબા અને ડેડિયાપાડા પંથકમાં પહેલાં જ વરસાદમાં જ પુરની સ્થિતિ સર્જાઈ છે. ડેડિયાપાડા અને સાગબારા વિસ્તારમાં સ્થાનિક નદીઓ છલકાઈ ગઈ છે. ડેડિયાપાડાના ડુમખલ નજીક આવેલી તારવ નદીમાં ઘોડાપૂર આવતાં ડુમખલ ગામથી મહારાષ્ટ્ર તરફ જતા મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, જેને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. બીજી તરફ ડેડિયાપાડાના દાબકા ગામમાં વીજળી પડતા એક ભેંસનું મોત નીપજ્યું છે. ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાયા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, 30 જૂન સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે. મેઘગર્જના અને વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડાની પણ સંભાવના છે, જેમાં પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાક રહી શકે છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધીને 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની અને દરિયામાં મોજા ઉછળવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે.

