રિપોર્ટ@ગુજરાત: નવા મંત્રીમંડળનું ચિત્ર; 5 મંત્રી યથાવત્, 2ના પત્તા કપાયા, 3 મંત્રીઓ રિપીટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની જાહેરાત થઈ ગઈ છે અને આ વિસ્તરણમાં દક્ષિણ ગુજરાતને ફરીથી પાંચ મંત્રીઓનું પ્રતિનિધિત્વ મળ્યું છે. જોકે, આ પ્રતિનિધિત્વમાં થોડા ફેરફારો જોવા મળ્યા છે, જેમાં બે જૂના ચહેરાને પડતા મૂકીને બે નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. 5 મંત્રી યથાવત્ રાખવામાં આવ્યા છે. હર્ષ સંઘવી, પ્રફુલ પાનસેરિયા અને કનુ દેસાઈ રિપીટ કરવામાં આવ્યાં છે.
નવા મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાતના પાંચ મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે, જે અગાઉના મંત્રીમંડળની સંખ્યા જેટલું જ છે. જોકે, આ પાંચ મંત્રીઓમાંથી ત્રણ મંત્રીઓ રિપીટ થયા છે, જ્યારે બે મંત્રીઓના પત્તા કપાયા છે અને તેમના સ્થાને બે નવા ચહેરાઓને તક મળી છે. દક્ષિણ ગુજરાતમાંથી જે ત્રણ મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે, તેમાં અનુભવી નેતાઓનો સમાવેશ થાય છે. કનુભાઈ દેસાઈ, હર્ષ સંઘવી, પ્રફુલ પાનસેરિયા રિપીટ કરાયા છે.
જૂના મંત્રીમંડળમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સેવા આપતા બે ધારાસભ્યોને આ વખતે પડતા મૂકવામાં આવ્યા છે. મુકેશ પટેલ અને કુંવરજી હળપતિ નવા મંત્રીમંડળમાં પડતા મૂકવામાં આવ્યા છે. જે બે મંત્રીઓના પત્તા કપાયા છે, તેમના સ્થાને બે નવા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. આ ફેરફારમાં પ્રાદેશિક અને આદિવાસી સમીકરણોને મહત્ત્વ આપવામાં આવ્યું છે.
ઓલપાડના મુકેશ પટેલને બદલે વલસાડ જિલ્લાની ગણદેવી બેઠકના ધારાસભ્ય નરેશ પટેલને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. જ્યારે માંડવીના કુંવરજી હળપતિના સ્થાને તાપી જિલ્લાની નિઝર બેઠકના જયરામ ગામીતને આદિવાસી ચહેરા તરીકે મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ફેરફાર દ્વારા ભાજપે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના પ્રતિનિધિત્વને જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે.

