રીપોર્ટ@ગુજરાત: ટ્યુશન ક્લાસમાં જતા પરિવારના એકના એક દીકરાનું અજાણ્યા વાહનની અડફેટે મોત

વિદ્યાર્થીને સારવાર મળે તે પહેલાં જ મોત થયું
 
રીપોર્ટ@ગુજરાત: ટ્યુશન ક્લાસમાં જતા પરિવારના એકના એક દીકરાનું અજાણ્યા વાહનની અડફેટે મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. બારડોલી તાલુકાના નિઝર ગામે રહેતા સામાન્ય પરિવારના આશાસ્પદ વિદ્યાર્થીનું માર્ગ અકસ્માતમા મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી.12માં ધોરણના ટ્યુશન ક્લાસમાં જતા પરિવારના એકના એક દીકરાનું અજાણ્યા વાહનની ટકકરે અકસ્માતે મોત નિપજતા ભારે શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બારડોલી તાલુકાના નિઝર ગામે તળાવ ફળિયામાં રહેતા અને ખેતીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા દિપકભાઈ પટેલનો દીકરો દેવ કે જે 11મુ ધોરણ પાસ કરી 12 માં ધોરણનો અભ્યાસ કરતો હતો. દેવ પટેલ તા-11/05/2024ને શનિવારના રોજ પિતાની મોટરસાયકલ નં. (GJ-19-Q-6758) ઉપર સવાર થઈ મહુવા તાલુકાના તરસાડી ચાર રસ્તા થઈ કણાઈ પાટીયા નજીકથી બારડોલી ટ્યુશને જઈ રહ્યો હતો. જે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે દેવની મોટર સાયકલને પાછળથી ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો.

જે અકસ્માતમાં 12મુ ધોરણ પાસ કરવા માટે ટ્યુશન કલાસે પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવા ગયેલા વિદ્યાર્થી દેવ પટેલને હાથના , માથાના અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થઈ હતી.ઘટનાને પગલે 108 ની મદદથી વિદ્યાર્થીને મહુવાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા ચકચાર મચી જવા પામી હતી.ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતાં પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


પરિવારનો એકનો એક દીકરાનું અકસ્માતમાં મોત થતાં પરિવારજનો સહિત ગ્રામજનો અને દેવના મિત્રોમા શોકનો માહોલ છવાઈ ગયો હતો. એકના એક લાડકવાયા દીકરાનુ સારવાર મળે તે પહેલા જ અવસાન થયુ હતુ. પરિવારજનોના આક્રંદથી ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.