રિપોર્ટ@ગુજરાત: ઓપરેશન ડેલ્ટા હન્ટ હવે નિર્ણાયક તબક્કામાં; રાજ્યમાંથી 501 બાંગ્લાદેશીઓની ધરપકડ

શંકાસ્પદ દસ્તાવેજો ધરાવતા લોકોની પૂછપરછ બાદ તેમની ઓળખ 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ અને વિવિધ તપાસ એજન્સીઓએ શરૂ કરેલું ઓપરેશન ડેલ્ટા હન્ટ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે સવારે 501 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઓપરેશન હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં ધરપકડનો આંકડો વધી શકે છે. આ સાથે જ ખોટા દસ્તાવેજો બનાવી આપનાર એજન્ટો અને સ્થાનિક મદદગારો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં પોલીસની ટીમો દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મજૂરી કામ, કન્સ્ટ્રક્શન સાઈટ, ઝૂંપડપટ્ટી વિસ્તાર, ભાડાના મકાનો અને સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં શંકાસ્પદ દસ્તાવેજો ધરાવતા લોકોની પૂછપરછ બાદ તેમની ઓળખ અને નાગરિકતાની ચકાસણી કરવામાં આવી હતી.

અનેક બાંગ્લાદેશી નાગરિકો વર્ષોથી ખોટા આધારકાર્ડ, મતદાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોના આધારે ગુજરાતમાં રહેતા હતા. કેટલાક લોકો મજૂરી, ફેક્ટરી અને નાના ધંધા સાથે સંકળાયેલા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી આવા લોકોની વિગતો એકત્ર કરવામાં આવી રહી હતી. જે બાદ રાજ્યવ્યાપી ઓપરેશન શરૂ કરી એકસાથે કાર્યવાહી હાથ ધરી છે.

ધરપકડ કરાયેલા તમામ લોકોના દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે અને તેઓ ભારતમાં કેવી રીતે ઘૂસ્યા તથા તેમને સ્થાનિક દસ્તાવેજો કોણે બનાવી આપ્યા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોરા, રાજકોટ સહિતના મોટા શહેરોમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 જૂને અલગ અલગ વિસ્તારમાંથી 166 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરી હતી, જ્યારે 3 જૂને પણ પોલીસનું ઓપરેશન ચાલુ રહ્યું હતું અને આ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારમાંથી વધુ 16 બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા. સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા તમામ ઝડપાયેલા બાંગ્લાદેશીઓને ડિટેન્શન સેન્ટર મોકલી આપવામાં આવ્યા છે.

ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજ સુધી 365 જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા. જે આજે 501 જેટલા થયા છે. અમારી પાસે લિસ્ટ હતું જેમાં હિન્દુ, મુસ્લિમ, વેપારીઓ તમામ બાંગ્લાદેશી હતા. અમદાવાદનો આંકડો 166થી 192 સુધી પહોંચ્યો છે. હાલ 100ની પૂછપરછ ચાલી રહી છે. 100થી વધુ મહિલા, 30 બાળકો અને બાકીના પુરૂષો છે.