રિપોર્ટ@ગુજરાત: હત્યાના પ્રયાસના ગુનામાં 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી

 ધારાસભ્યના પુત્રની શોધખોળ યથાવત

 
રિપોર્ટ@ગુજરાત: હત્યાના પ્રયાસના ગુનામાં 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલાક ગુનાઓ સામે આવતા હોય છે.  જૂનાગઢ શહેર NSUI પ્રમુખના અપહરણ અને હત્યાના પ્રયાસ મામલે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતની ટોળકી સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જો કે, ગણેશ જાડેજા ગુનો નોંધાયાના ત્રણ દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર રહેતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. ઝડપાયેલા ત્રણેય શખ્સોએ અન્ય આરોપીઓ સાથે મળી સંજય સોલંકીનું જૂનાગઢમાંથી અપહરણ કરી ગોંડલ 'ગણેશગઢ' લઈ ગયા હતા. જ્યાં ભોગ બનનારને નગ્ન કરી માફી મંગાવતો વીડિયો બનાવ્યો હતો.


ગણેશ જાડેજા સહિત તેની ટોળકી સામે અપહરણ, હત્યાનો પ્રયાસ, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસે ગુનામાં સામેલ ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જૂનાગઢ એલસબીએ ગુનામાં કામે વપરાયેલી બ્રેઝા કારની સીસીટીવીના માધ્યમથી ઓળખ કરી હતી અને તેમાં સવાર લોકોની પણ ઓળખ કરવામાં આવી હતી. પોલીસે ગુનાના કામમાં વપરાયેલી કાર સાથે અતુલ કઠેરિયા, ફૈઝલ ઉર્ફે પાવલી હુસેનભાઈ પરમાર અને ઈકબાલ હારૂન ગોગદાની ધરપકડ કરી છે.


આ કેસની તપાસ કરી રહેલા SC-ST સેલના ડીવાયએસપી જે.કે.ઝાલાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ એલસીબીની ટીમ ગોંડલ ગઈ હતી ત્યાં ગણેશ મળી આવ્યો નથી. ત્યાંના પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી છે. ગણેશ મળી આવે તો હસ્તગત કરવા જણાવવામાં આવ્યું છે.


ભોગ બનનાર સંજય રાજુભાઈ સોલંકીએ ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, હું અને મારો છોકરો 30 તારીખે રાત્રે કાળવા ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાળુભાના પૂતળા પાસે પહોંચતા પાછળથી એક ફોર વ્હીલર કાર એકદમ સ્પીડમાં આવેલ અને મારી નજીક પહોંચી બ્રેક મારી હતી. જેથી મેં કારચાલકને વ્યવસ્થિત ચલાવવાનું કહેતા તે લોકોએ ઝઘડો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, મારો છોકરો મારી સાથે હોઇ મેં કહ્યું હતું કે, હું મારા છોકરાને ઘરે મૂકીને આવું છું. ત્યારબાદ હું મારી બાઈક લઈને ત્યાંથી રવાના થઈ ગયો હતો અને મારા ઘર પાસે પહોંચતા આ ફોર વ્હીલરનો ચાલક અને તેની સાથે બીજી એક ફોર વ્હીલર મારી પાછળ મારા ઘર પાસે આવી હતી. આ બંને કારમાંથી આશરે દશેક માણસો નીચે ઊતર્યા હતા અને મારી સાથે ઝઘડો કરવાની તૈયારીમાં હતા તેવામાં મારા પિતા આવી ગયા હતા. આ કારમાં એક માણસ બેઠો હતો જે માણસને જોતા આ માણસ ગોંડલનો ગણેશ જયરાજસિંહ જાડેજા હતો. તેને હું ઓળખી ગયેલ અને તેની સાથે તેના બીજા માણસો હતા તેને હું ઓળખતો નથી. પરંતુ, મને બતાવવામાં આવે તો જોયો ઓળખી શકું છું. ત્યારે ગણેશ જાડેજાને મારા પિતા ઓળખતા હોવાથી અમારા વચ્ચે મારા પિતાએ સમાધાન કરાવેલ અને આ લોકો જતા રહ્યા હતા. ત્યારબાદ હું રાત્રિના સમયે મારા ઘર પાસેથી બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે આ લોકો ફરી પોતાની ફોર વ્હીલર કારમાં ધસી આવ્યા હતા અને અને મારી મોટર સાઇકલને ટક્કર મારી મને નીચે પછાડી દીધો હતો. કારમાંથી પાંચેક શખ્સોએ નીચે ઊતરી મને લોખંડના પાઈપ વડે મારવા લાગ્યા હતા. તેની પાછળ પણ બે કાર આવી હતી. તેમાંથી પણ માણસો નીચે ઊતર્યા હતા અને મને ઉપાડીને કારમાં બેસાડી દીધો હતો અને કારને ગોંડલ બાજુ લઈ ગયા હતા.


સંજય સોલંકીએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, રાત્રિના સમયે ગોંડલમાં એક અવાવરું વાડી વિસ્તારમાં લઈ ગયા હતા અને ત્યાં નીચે ઉતાર્યો હતો. ત્યારે ગણેશ જાડેજા અને તેના માણસો હાજર હતા અને આ લોકો મને માર મારતા હતા અને મારી જાતિ વિષે ખરાબ ટિપ્પણીઓ કરી હતી. ત્યારબાદ ગણેશે મને પાછો તેની કારમાં બેસાડી દીધો હતો અને ગોંડલ તેના ઘરે ગણેશગઢમાં લઈ ગયા હતા. ત્યાં પણ પાંચ છ માણસો હાજર હતા. ત્યારે ગણેશના માણસોના હાથમાં પિસ્તોલ જેવા હથિયાર અને લોખંડના પાઈપ હતા. આ ગણેશ જાડેજાના માણસો મને તેની ઓફિસમાં લઈ ગયેલ અને ગણેશના કહેવાથી તેના માણસોએ મારાં કપડાં કાઢી નાખેલ હતાં. મને આડેધડ ઢીકાપાટુનો માર મારેલ હતો અને તેનો વીડિયો તેના મોબાઈલમાં ઉતારી લીધો હતો અને મારી પાસે માફી મંગાવેલ અને કહેલ કે, જૂનાગઢ NSUI કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેજે અને આ બાબતે જો તું ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશું તેમ ધમકી આપેલ હતી. ત્યારે મેં આ લોકો પાસે માફી માંગલે હોય જેથી તેઓએ મને પાછો એક ફોર વ્હીલ કારમાં બેસાડી દીધેલ અને જૂનાગઢ ભેંસાણ ચોકડી કિયાના શોરૂમ પાસે ઉતારીને જતા રહ્યા હતા.