રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ નોંધાયો, આજે 4 જિલ્લામાં યલો એલર્ટ

રાજ્ય પર એકસાથે પાંચ સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદની સંભાવના 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં મેઘરાજા મન મૂકી વરસી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ છોટાઉદેપુરના જેતપુર પાવીમાં પોણા ત્રણ ઈંચ અને દાહોદના લીમખેડામાં 2 ઇંચ પડ્યો છે. તો 24 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. હાલમાં રાજ્ય પર એકસાથે પાંચ સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદની સંભાવના રહેલી છે, જેમાં આજે ચાર જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાદરવા ગામે 27 જુલાઈના બપોરે ડાંગરની રોપણી કરતી વખતે અચાનક વીજળી પડતાં એક જ પરિવારની ત્રણ મહિલા તેની લપેટમાં આવી ગઈ હતી. આ હોનારતમાં 65 વર્ષીય સંતોકબેન બામણીયાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે મહિલા ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. એક જ પરિવારની મહિલાઓ સાથે બનેલી આ દુર્ઘટનાથી સમગ્ર નાદરવા ગામમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.અમદાવાદ જિલ્લાના પીપળી- વટામણ હાઇવે પર પીપળી ગામ નજીક વરસાદી નાળું તૂટી ગયું હોવાથી હાઈવે બંધ કરવામાં આવ્યો છે. વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે ધોલેરા એક્સપ્રેસવે અને ધંધુકા હાઇવેનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. સુરત તરફ જતા અને વટામણથી પીપળી આવતા વાહનચાલકોએ ધોલેરા એક્સપ્રેસવેનો ઉપયોગ કરવા તેમજ વટામણથી ધંધુકા જતા વાહનચાલકોએ ધોલેરા થઈને ધંધુકા તરફ જવાનું રહેશે.

હવામાન વિભાગના ડાયરેક્ટ ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, 30 અને 31 જુલાઈના રોજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અત્યારે રાજ્યમાં કુલ 5 સિસ્ટમ સક્રિય છે, જેમાં અપર એર સક્યુલેશન, બે મોન્સૂન ટ્રફ, સાયકોલનિક સર્ક્યુલેશન, ડીપ ડિપ્રેશન એમ કુલ પાંચ સિસ્ટમ સક્રિય હોવાના કારણે રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે. 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના છે. આજે અને આવતીકાલે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જારી કરાયું છે.